રાજકોટ
News of Friday, 28th September 2018

સામુ જોવા પ્રશ્ને થયેલા ઝઘડાનો ખાર રાખી મહંમદભાઇ ચૌહાણ પર હુમલો

સટ્ટા બજાર પાસે બનાવઃ સદામ, એજાઝ, જેબુન અને અબુ સામે ગુનો

રાજકોટ તા. ર૮: સટ્ટા બજાર પાસે મચ્છી બજારમાં મુસ્લીમ લાઇનમાં સામુ જોવા બાબતે થયેલા ઝઘડા બાબતે મુસ્લીમ આધેડને મહિલા સહિત ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પરાબજાર ખાટકીવાસ કૃષ્ણપરામાં રહેતા ફાતીમાબેન મહંમદભાઇ ચૌહાણ (ઉ.વ. ૪પ) એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે પતિ અને તેના બે પુત્રો નાસીર, કાદીર અને હુશેન સાથે સંયુકત પરિવાર સાથોે રહે છે. ગત તા.ે ર૭-૯ના રાત્રે નાના પુત્ર હુશેનને સદામ અબુભાઇ માંડલીયા (રહે. મુસ્લીમ લાઇન કેશરી પુલ પાસે) સાથે સામુ જોવા બાબતે સટ્ટાબજાર પાસે મચ્છી બજારમાં ઝઘડો થયો હતો. બાદ ઘરમેળે સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ પતિ મહંમદભાઇ ચૌહાણ તથા પુત્ર નાશીર તથા કાદર પરત ઘરે જતા હતા ત્યારે સટ્ટા બજાર પાસે યુકો બેંક પાસે પહોંચતા આ સદામ સાથે ફરી મારા પતિ તથા દીકરા હુશેન સાથે બોલાચાલી થયેલ અને હુશેનને ઢીકાપાટુનો માર મારેલ તે વખતે એજાઝ અબુભાઇ માંડલીયા, જેબુન એજાઝભાઇ માંડલીયા તથા અબુ માંડલીયાએ ધોકા, પાઇપ લઇને આવી બોલાચાલી કરી હતી અને પતિ મહંમદભાઇને ધકકો મારતા તેને માથાના ભાગે ઇજા થઇ હતી, બાદ દેકારો બોલતા તમામ ભાગી ગયા હતા. બાદ મહંમદભાઇને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફાતીમાબેન ચૌહાણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(4:11 pm IST)