રાજકોટ
News of Friday, 28th September 2018

અદ્ભુત કૃતીઓ

સ્માર્ટ સીટી-ઇકો શૌચાલય-ટ્રાફિક સિગ્નલ સહિત પ્રયોગોએ આકર્ષણ જમાવ્યુ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી બે દિ' વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો પ્રારંભ ર૧૬ બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ વિષયની ૧૦૮ કૃતિઓ રજૂ કરી

રાજકોટ તા. ર૮ :.. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા આજથી શરૂ થયેલ શહેર કક્ષાના વિજ્ઞાન - ગણિત પ્રદર્શનની દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો. બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે તથા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટી કોણ કેળવાય તે હેતુથી આ પ્રદર્શન  શાળા નં. ૯ અંબાજી કડવા પ્લોટ ખાતે યોજાયેલ છે. આવતી કાલે પ્રદર્શનનો અંતિમ દિવસ છે. શુભારંમ પ્રસંગે જ સમગ્ર રાજકોટ શહેરના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, બાળ વૈજ્ઞાનિકો, ગણીત-વિજ્ઞાન શિક્ષકો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉદઘાટન સમારોહમાં શહેરના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ઉદઘાટન કરતા જણાવેલ કે, બાળકોમાં રહેલી સુષુપ્ત કલાઓને આવી વિવિધ પ્રવૃતિ - પ્રોજેકટથી વિકાસ કરી શકાય જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કાર્ય કરેલ છે. આ તકે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર, શિક્ષણ સમિતિ સદસ્ય મુકેશભાઇ મહેતા, ભારતીબેન રાવલ, શાસનાધિકારી ડી. બી. પંડયા, ડાયેટના પ્રજ્ઞાબેન રાદડીયા તથા શિક્ષણવિદ સોનલબેન ફળદુ ઉપસ્થિત રહીને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહીત કર્યા હતાં.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બે દિવસીય ગણીત-વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે શિક્ષણ સંસ્થાઓ નગરજનોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આજના પ્રદર્શનમાં વિવિધ પ્રકારની કૃતિઓ જેમ કે સ્માર્ટ સીટી, સોલાર, સીસ્ટમ, અંડર ગ્રાઉનડ કેબલ લાઇટ, ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ, ગ્રાસ કટર, ઇકો શૌચાલય, ૩-ડી, હોલોગ્રામ, ધ્દની પ્રદુષણ ઇંડીકેટર, ઘડીયા વગર ગુણાકાર, ઇલેકટ્રીક ઓડીયો, ડાયાબીટીસ નિવારણ, ટ્રાફીક સિગ્નલ વગેરે બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલ હતી. બે દિવસીય પ્રદર્શનમાં પ વિભાગમાં સરકારી શાળાનાં બાળકો દ્વારા ૭૭, ખાનગી શાળાઓની ૩૧ મળી કુલ ૧૦૮ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ર૧૬ બાળ વૈજ્ઞાકિો એ ભાગ લીધો છે.

ન. પ્રા. શિ. સમિતિની શાળાઓના ધો. પ થી ૮ ના મોટા છાત્રોને આજે સાંજે પ કલાક સુધી તથા આવતીકાલે તા. ર૯ મીએ સવારે ૯ થી ૧ર સુધી શાળાઓને પ્રદર્શન જોવા માટેની વ્યવસ્થા કરાયેલ છે.

સમગ્ર આયોજન માટે કે. ની. ડી. એન. ભુવાત્રા, પૂર્વીબેન ઉચાટ ત્થા યુ. આર. સી. શૈલેષભાઇ ભટ્ટ, સંજયભાઇ ચાવડા, તથા દિપકભાઇ સાગઠીયા, ત્થા તમામ સી. આર. સી. ત્થા વિવિધ સમિતિના કમીટી મેમ્બરો, તેમજ શિક્ષણ સમિતિ કચેરી સ્ટાફ ત્થા એસ. એસ. એ. સ્ટાફ આયોજન સંભાળી રહ્યા છે. તેમ શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)