રાજકોટ
News of Wednesday, 28th July 2021

કિશોરભાઇ પટેલના મોતમાં કાનો અને દેવો સકંજામાં: પૈસાની ઉઘરાણી માટે કાનાની ઘરે ગયા હોઇ ડખ્ખો

કારમાં મારકુટ કર્યા બાદ ધક્કો દઇ દીધાનું બહાર આવ્યું: પોલીસે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૮: મવડી બાપા સિતારામ ચોક પાસે પરમેશ્વર સોસાયટી-૨માં  રહેતાં મુળ કાલાવડના પીપર ગામના વતની પટેલ કારખાનેદાર કિશોરભાઇ ભીખાભાઇ સાવલીયા (ઉ.વ.૪૨) પરમદિવસે બપોરે રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકા પાસે ચાલુ કારમાંથી ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં દમ તોડી દીધો હતો. આ બનાવમાં પૈસાની ઉઘરાણીનો મામલો હોવાનું અને તેઓ મહિકાના કાનો ઉર્ફ કાનદાસના ઘરે ઉઘરાણીએ ગયા હોઇ તે બાબતનો ખાર રાખી કાનો સહિતનાએ તેમની સાથે ઝઘડો કરી મહિકા પાસેથી કારમાં બેસાડી ચાલુ કારમાં ઢીકાપાટુ મારી ધક્કો દઇ પછાડી દીધાનું ખુલતાં બંનેને સકંજામાં લઇ અન્ય કોણ કોણ સામેલ હતું? તે અંગે પુછતાછ થઇ રહી છે. 

મૃતદેહના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ અને મહિકા નજીક આવેલી કાઠીયાવાડ હોટેલના સંચાલક પાસેથી મળેલી વિગતો બાદ પોલીસે મૃત્યુ પામનાર કિશોરભાઇના ભાઇ મનસુખભાઇ ભીખાભાઇ સાવલીયા (ઉ.વ.૪૯-રહે. પીપર તા. કાલાવડ)ની ફરિયાદ પરથી મહિકાના કાનદાસ ઉર્ફ કાનો ભીખુભાઇ દાણીધારીયા, તેના મિત્ર દેવેન્દ્ર ઉર્ફ દેવો સિંધી તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે મારા ભાઇ રોડ પરથી ઘાયલ મળ્યા બાદ હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. અમે તેઓ ઘાયલ મળ્યા તેનાથી નજીક આવેલી કાઠીયાવાડ હોટેલ ખાતે જઇ તપાસ કરતાં ત્યાંના સંચાલક મારફત જાણવા મળ્યું હતું કે મારા ભાઇ સાથે કારમાં આવેલા શખેએ પૈસાની લેતીદેતી માટે હોટેલ પાસે ઝઘડો અને ગાળાગાળી કરતાં તેને દૂર જવાનું કહેતાં મારા ભાઇ તેનું એકટીવા ત્યાં જ મુકી માથાકુટ કરનારા શખ્સોની સાથે કારમાં બેસી ગયા હતા. એ પછી કાર હોટેલથી થોડે દૂર પહોંચી ત્યાં જ તે કારમાંથી ફેંકાઇ ગયા હતાં.

અમે વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે મારા ભાઇ કિશોરભાઇને અર્ટીગા કારવાળા સાથે પૈસા બાબતે ઝઘડો થયો હોઇ તેને કારમાં બેસાડી ચાલુ ગાડીએ ઢીકાપાટુ મારી રોડ પર ફેંકી દેતાં માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી અને તેમનું મૃત્યુ થયું હતું.

એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ  વી. જે. ચાવડા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ, કોૈશેન્દ્રસિંહ, શૈલેષભાઇ નેચડા, કુલદિપસિંહ સહિતે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ એમ. ડી. વાળાએ હાથ ધરી છે. બે આરોપી કાનદાસ ઉર્ફ કાનો અને દેવો ઉર્ફ દેવેન્દ્ર હાથમાં આવી ગયા હોઇ પુછતાછ શરૂ થઇ છે. કાનાએ એવું રટણ કર્યુ છે કે કિશોરભાઇ પાસેથી મારા ઘરના કારખાનાનું જોબવર્ક લેતાં હોઇ તેના પૈસાની લેતીદેતી બાકી હતી. તે પૈસા લેવા ઘરે આવ્યા હોઇ તે ન ગમતાં માથાકુટ થઇ હતી. કાનાના આ કથમાં કેટલુ તથ્ય છે? તે સહિતની તપાસ થઇ રહી છે. 

(2:55 pm IST)