રાજકોટ
News of Wednesday, 28th July 2021

બદલી પામેલ કર્મચારીઓનો મિડીયા સામે ધડાકો : રાજકોટ સહિત ગુજરાતભરમાં રપ૦ કર્મચારીઓ 'બેઠા બેઠા' પગાર મેળવે છે

મુંડન કરનાર ત્રણ એસટી કર્મચારીની બદલી બાદ આક્ષેપોનો દોર : યુનિયન આગેવાનો ઇન્દુભા-જસુભા સહીતના નામો જાહેર કરતા ફાટી નિકળેલો રોષઃ નવા યુનિયનની જાહેરાત

બદલી પામેલ એસટીના આ બે કર્મચારી મુકેશસિંહ જાડેજા-રવુભા જાડેજાએ આજે મીડીયા સમક્ષ ચોંકાવનારી વિગતો આપી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૪.૭)

રાજકોટ તા. ર૮ : એસટી મેનેજમેન્ટે રાજકોટના ત્રણ કર્મચારી કે જેમણે કોરોના કાળમાં મુંડન કરી કોરોના વોરીયર્સ ગણવા માંગણી કરી હતી તેમની ગઇકાલે એકાએક બદલી કરી પ૦૦ કિ.મી.દુર ફેકી દેતા હોબાળો મચી ગયો છે. હવે આજે આ ત્રણેય બદલી પામેલ કર્મચારીમાંથી બે કર્મચારી મુકેશસિંહ જાડેજા અને રવુભા જાડેજાએ એસટીના ર થી ૩ યુનિયન અગ્રણીઓ સહિત અન્યો પર આક્ષેપ કરી રાજકોટના ૭ થી ૮ સહિત ગુજરાતમાં કુલ રપ૦ જેટલા કર્મચારીઓ માત્ર હાજરી પુરવા આવતા હોવાનું અને કામ કર્યા વગર પગાર મેળવતા હોવાનું જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે.

આ સાથે આ ત્રણેય બદલી થયેલ કર્મચારીઓએ આજથી નવુ સંગઠન સ્થાપિત કરવાની પણ જાહેરાત કરી હતી, આ લોકોએ મીડીયા સમક્ષ કામ કર્યા વગર માત્ર હાજરી પુરી પગાર લેતા. ઇન્દુભા મહેશ વેકરીયા, જયુભા જાડેજા, બી.એન. ઝાલા, રાજેન્દ્રસિંહ પરમાર, કિશોરસિંહ પરમાર, ઘનશ્યામ બ્રહ્મભટ્ટ વિગેરેના નામો જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે., આ તમામ સામે આક્ષેપો થતા  આ લોકો અને અન્ય કર્મચારીઓમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. ટુંકમાં એસ.ટી.ના યુનિયન -યુનિયન સામસામે આવી ગયા છે, આજની આ ઘટનાના ઘેરા પડઘા પડશે તેમ મનાય છે.

(12:55 pm IST)