રાજકોટ
News of Tuesday, 28th June 2022

ગોંડલ રોડ મારૂતિ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં ચારેકોર ગંદકીના ગંજઃ રોગચાળો ફાટી નીકળવાની ભીતી

સ્‍મૂધ પ્રેસિઝનના મયુર ઠુમ્‍મર સહિતે અનેક રજૂઆતો કરી પણ કોઇને આ સમસ્‍યા દેખાતી નથીઃ ભારે આક્રોશ

રાજકોટ તા. ૨૮: શહેરના ગોંડલ રોડ પર જુના જકાતનાકા પાસે મારૂતિ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં ચારેકોર ગંદકીના ગંજ ખડાકાયા હોવાની ફરિયાદો ઉઠી છે. ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન મ્‍યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતો હોવા છતાં અને કારખાનેદારો લાખોનો વેરો ભરતાં હોવા છતાં અહિ સાફસફાઇ સહિતની બાબતોમાં મ્‍યુ. કોર્પોરેશનનું તંત્ર ઓરમાયુ વર્તન રાખી રહ્યું હોવાનો રોષ કારખાનેદારોએ વ્‍યક્‍ત કર્યો છે. હાલમાં ચોમાસાની શરૂઆત થઇ હોઇ વરસાદી પાણી પણ ઠેકઠેકાણે ભરાઇ ગયા હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય દર્શાવાઇ રહ્યો છે.

મારૂતિ ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં સ્‍મૂધ પ્રેસિઝન પ્રા.લિ. નામે ફેક્‍ટરી ધરાવતાં મયુર ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે વર્ષોથી આ વિસ્‍તાર કોર્પોરેશનની હદમાં સામેલ થઇ ગયો છે. અહિ અનેક કારખાનાઓ છે અને કર્મચારીઓના રહેણાકો પણ છે. પરંતુ રોડ, રસ્‍તા, સફાઇ સહિતની સુવિધાઓના નામે અહિ લાંબા સમયથી તંત્રવાહકો ધ્‍યાન આપી રહ્યા નથી. ગંદકીનો પ્રશ્ન અહિ બારેમાસનો બની રહે છે. તેમાં પણ હાલમાં ચોમાસુ શરૂ થયું હોઇ થોડા એવા વરસાદમાં જ ઠેકઠેકાણે પાણી ભરાઇ જતાં ગંદકી ફાટ ફાટ થઇ રહી છે. આ કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ છે.

કારખાનેદારોએ અનેક વખત સંબંધીત તંત્રવાહકો અને વોર્ડ નં. ૧૩ના નગરસેવકો સહિતને આ સમસ્‍યાઓ સંદર્ભે રજૂઆત કરી કાયમી નિવેડો લાવવા વિનંતીઓ કરી છે. પરંતુ કોઇપણ કારણોસર આ વિસ્‍તારના આવા અગત્‍યના પ્રશ્નો ઉકેલવા તરફે પણ કોઇ ગંભીરતાથી ધ્‍યાન આપી રહ્યું નથી. આથી ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોનના કારખાનેદારોમાં રોષ ફેલાયો છે.

(3:28 pm IST)