રાજકોટ
News of Monday, 28th June 2021

હાથ દુઃખતો હોવાથી કામે ન ગયો, ઘરે રહી પત્નિ સાથે ઝઘડો કર્યો ને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ આચર્યુ

રસોઇ બાબતે પણ માથાકુટ થઇ હતીઃ શહેરની ભાગોળના વિસ્તારમાં બનાવઃ આજીડેમ પોલીસે પતિ વિરૂધ્ધ બળાત્કાર-બળજબરીનો ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૮: શહેરના ખોખડદડ વિસ્તારમાં રહેતાં પરપ્રાંતના પતિ-પત્નિ વચ્ચે રસોઇ બાબતે અને પતિને હાથ દુઃખતો હોઇ તે કામે ન ગયો તેના કારણે થયેલો ઝઘડો બળાત્કાર અને સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યુ સુધી પહોંચ્યો હતો. ૩૦ વર્ષની મહિલાએ પોતાના જ પતિ વિરૂધ્ધ આવી ફરિયાદ નોંધાવતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી પતિને સકંજામાં લીધો છે.

પોલીસે મહિલાની ફરિયાદ પરથી પતિ વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૩૭૭, ૩૨૩ મુજબ ગુનો દાખલ કર્યો છે. અન્ય પ્રાંતનું આ દંપતિ છએક મહિનાથી રાજકોટ નવા મકાનમાં રહેવા આવ્યું છે. પતિ કારખાનામાં કામ કરે છે. વર્ષોથી પોતે રાજકોટ રહે છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પતિ-પત્નિ અગાઉ વતનમાં રહેતાં હતાં ત્યારથી પતિ નાની નાની વાતો પર ઝઘડા કરી ત્રાસ ગુજરાતો હતો. હાલમાં પોતે રાજકોટ રહે છે. શનિવારે રાતે દસેક વાગ્યે પોતે ઘરમાં હતી ત્યારે પતિએ આવી રસોઇ બનાવવા મામલે ઝઘડો શરૂ કર્યો હતો. એ પછી વધુ ઉગ્ર બની બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય પણ આચર્યુ હતું.

પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. વાળા અને સ્ટાફે ગુનો નોંધી આરોપી પતિને સકંજામાં લીધો છે. ભોગ બનેલી પત્નિનું તબિબી પરિક્ષણ કરાવ્યું હતું.

(3:54 pm IST)