રાજકોટ
News of Monday, 28th June 2021

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ તળે વિનામુલ્યે શિક્ષણ : પ જુલાઇ સુધીમાં અરજીની તક

રાજકોટ તા. ૨૮ : મયુરનગર-૧ ખાતે આવેલ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી આર્થિક પછતા અને જરૂરીયાતમંદ બાળકોનો અભ્યાસ ખર્ચ ઉઠાવવા જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ ચલાવવામાં આવે છે. જેમાં ધો.૭ ની છ માસિક પરીક્ષામાં ૮૫% કે તેથી વધુ માર્કસ સાથે ઉતીર્ણ થનાર વિદ્યાર્થી જ્ઞાનપ્રબોધીની પરીક્ષા આપવા હકદાર બને છે.પરંતુ ચાલુ સાલે કવિડ-૧૯ ની પરિસ્થિતી ધ્યાને લઇ આ વખતે નવી બેચની પ્રવેશ પરીક્ષા માટે નવી વ્યવસ્થા અમલી બનાવાઇ છે. જેમાં ધો.૫-૬-૭ ની પરીક્ષામાં મેળવેલ ગુણની એવરેજ કાઢી પ્રવેશ પરીક્ષાની લાયકાત નકકી કરાશે. જે મુજબ ધો.૫ માં વાર્ષિક પરિણામમાં ૮૫% કે તેથી વધુ ટકાવારી મેળવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા આપવાની તક અપાશે. તેમજ ધો.૬ માં છ માસિક પરીક્ષામાં ૮૫% કે ધો. ૭ માં છ માસિક પરીક્ષામાં ૮૫% કે તેથી વધુ ટકાવારી મેળવનારને પ્રવેશ પરીક્ષા આપવાની તક અપાશે.

આ પરીક્ષા જે તે સમયની પરિસ્થિતિ અને સંજોગો ધ્યાને લઇ લેવામાં આવશે. પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા. ૫ જુલાઇ સુધીમાં ટ્રસ્ટના કાર્યાલયે અરજી કરવાની રહેશે.

ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓેમાંથી પસંદ થયેલ બાળકોને ધો.૮ થી માંડીને ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ સંસ્થા પોતાના શીરે લઇ લ્યે છે. ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ વધુને વધુ સ઼ખ્યામાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષાનો લાભ લેવા અનુરોધ કરેલ છે. વધુ માહીતી માટે ફોન ૦૨૮૧- ૨૭૦૪૫૪૫, ૨૭૦૧૦૯૮ ઉપર સંપર્ક કરવા વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

ટ્રસ્ટના ચેરમેન અને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટનું સંચાલન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓની કાળજી લેવાના આ કાર્ય માટે સંસ્થાના ટ્રસ્ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી, અમિનેષ રૂપાણી, પ્રોજેકટ કમીટી મેમ્બર્સ અરવિંદભાઇ બગડાઇ, જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવિયા, સી. કે. બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ, હસુભાઇ ગણાત્રા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:47 pm IST)