રાજકોટ
News of Friday, 28th June 2019

'હું કહું એ રીતે જ કોર્ટમાં જુબાની આપવાની છે, નહિતર મારી નાંખીશ'...મહિલા વકિલને ધમકી

જુના કેસમાં સમાધાન કરી લેવા અને જુબાની ફેરવી નાંખવાનું કહી વિજય ટાંક અને તેના પત્નિએ ધમકી દીધાની ફરિયાદ

રાજકોટ તા. ૨૮: સોની બજારમાં રહેતાં મહિલા વકિલને ૨૦૧૪ના પોકસોના કેસમાં જુબાનીમાં ફરી જવા અને પોતે કહે એ રીતે જુબાની આપવાનું કહી ધમકી અપાતાં  કાલાવડ રોડ પર રહેતાં શખ્સ અને તેના પત્નિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે સોની બજાર દશાશ્રી માળી હોસ્પિટલ પાછળ આનંદ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૩૦૨માં ત્રીજા માળે રહેતાં એડવોકેટ અલ્પાબેન શૈલેષભાઇ મહેતા (ઉ.૪૮)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ પર હવેલી શેરી પરિમલ સ્કૂલ સામે રાધા પાર્ક સી-૪ ચોથા માળે રહેતાં વિજયભાઇ નટવરલાલ ટાંક તથા ચેતનાબેન વિજયભાઇ ટાંક સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

અલ્પાબેને એફઆઇઆરમાં લખાવ્યું છે કે હું વકિલાત કરુ છું અને સંતાનમાં મારે એક દિકરી તથા એક દિકરો છે. દિકરી ૨૧ વર્ષની છે અને દિકરો ૧૯ વર્ષનો છે. ૨૫/૬ના સાંજે સાડા સાતેક વાગ્યે હું પંચનાથ મેઇન પોસ્ટ ઓફિસની બાજુમાં મારી ઓફિસ બહાર ઉભી હતી ત્યારે વિજય ટાંક અને તેના પત્નિ ચેતના મારી પાસે આવ્યા હતાં અને મને ગાળો દઇ વિજયએ 'તું મારી સામેનો તારો કેસ પાછો ખેંચી લેજે અને સમાધાન કરી લેજે' તેમ કહી ધમકી આપવા માંડેલ. તેમજ વિજયએ 'હું કહુ તેમ જ તું કોર્ટમાં જુબાની આપી દેજે, નહિતર તને જોઇ લઇશ. જો તું મારી વિરૂધ્ધ જુબાની આપીશ તો જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી અને બંને જતાં રહ્યા હતાં.

આ વખતે મારી ઓફિસે અરજણભાઇ ચોૈહાણ, જયેશભાઇ ભુત, પ્રવિણભાઇ ગઢવી, કિશોરભાઇ ડાંગર સહિતના હાજર હતાં. બનાવનું કારણ એ છે કે ૨૦૧૪માં વિજય ડાંગર વિરૂધ્ધ પોકસો હેઠળ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. આ કેસમાં તે જેલમાં હતો અને હાલ જામીન પર છુટેલ છે. કેસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલુ છે. જેમાં મારી જુબાની બાકી હોઇ મને જુબાનીમાં ફરી જવાનું કહી ધમકી અપાઇ છે.

એ-ડિવીઝનના એએસઆઇ ડી. બી. ખેરએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:45 am IST)