રાજકોટ
News of Thursday, 28th June 2018

જેટ એરવેઝનું પ્લેન હાઇજેક ! : રાજકોટમાં ત્રણ આતંકવાદી સરન્ડર

મુંબઇથી લખનોૈ જતી ફલાઇટને હાઇજેક કરાઇઃ ઇંધણ ઓછુ હોઇ રાજકોટ ઇમર્જન્સી લેન્ડીંગઃ આતંકીઓએ પોતાના સાથીદારોને છોડવા અને ૫૦૦ કરોડની માંગણી કરી : પોલીસ કન્ટ્રોલ રૂમમાં મેસેજ આવતાં સોૈથી પહેલા ખુદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત એરપોર્ટ પહોંચ્યાઃ સીઆઇએસએફએ ત્રણ આતંકવાદીને પકડી રાજકોટ પોલીસને સોંપ્યાઃ છેલ્લે 'મોકડ્રીલ' હોવાનું જાહેર થયું

તસ્વીરમાં એરપોર્ટ, સરન્ડર થયેલા ત્રણ આતંકવાદીને લઇને આવી રહેલી પોલીસ, કમાન્ડો, નીચેની તસ્વીરમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલા, એડી. ડીસીપી હર્ષદ મહેતા એરપોર્ટના અધિકારી સાથે ચર્ચા કરતાં જોઇ શકાય છે. અન્ય તસ્વીરમાં ત્રણેય આતંકી સાથે સીઆઇએસએફની ટૂકડીઓ, ડોગ સ્કવોડ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮: મુંબઇથી ઉપડેલી અને લખનોૈ જતી જેટ એરવેઝની ફલાઇટને આતંકીઓએ હાઇજેક કરી લીધાની અને આ પ્લેનમાં ઇંધણ ઓછુ હોઇ રાજકોટ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કરશે તેવો મેસેજ મળતાં જ સીઆઇએસએફ અને રાજકોટ પોલીસ એલર્ટ થઇ ગયા હતાં. ફલાઇટ  રાજકોટ લેન્ડ થતાં જ સીઆઇએસએફની ટૂકડી અને શહેર પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી ત્રણ આતંકવાદીને સરન્ડર થવા મજબુર કર્યા હતાં.  દિલધડક ઘટનાક્રમને અંતે આ એક મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે પ્લેન હાઇજેકનો મેસેજ પોલીસને મળતાં જ સોૈથી પહેલા ખુદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત પહોંચી ગયા હતાં.

પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોૈત, ડીસીપી ઝોન-૨ શ્રી કરણરાજ વાઘેલા અને એડી. ડીસીપી શ્રી હર્ષદ મહેતાએ આપેલી માહિતી મુજબ સવારે મુંબઇથી લખનોૈ માટે ઉડાન ભરનારી જેટ એરવેઝની ફલાઇટ હાઇજેક થઇ ગયાની અને આ પ્લેનમાં ત્રણ આતંકવાદી હોવાની તેમજ હાઇજેક કરાયેલા પ્લેનને ઇંધણ ઓછુ હોવાને કારણે રાજકોટ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કરાવવામાં આવશે તેવી માહિતી મળતાં જ એરપોર્ટ ઓથોરિટી તંત્ર, સીઆઇએસએફ તથા અન્ય અધિકારીઓ સતર્ક થઇ ગયા હતાં. શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ, ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ, એસઓજી, ક્રાઇમ બ્રાંચનો કાફલો તેમજ ટ્રાફિક પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ, ફાયર બ્રિગેડ, ૧૦૮ની ટીમો પણ પહોંચી ગઇ હતી.

પ્લેન લેન્ડ થતાં જ સીઆઇએસએફ અને પોલીસે પોઝીશન સંભાળી લીધી હતી. ત્રણ આતંકીઓએ પ્લેનમાં ૧૦૫ મુસાફરો હતાં તેમાંથી બે મુસાફરને ઘાયલ કર્યા હતાં. બાદમાં પોતાના ત્રણ સાથીદારોને છોડી મુકવાની અને પોતાને ૫૦૦ કરોડ આપવાની માંગણી કરી હતી. સીઆઇએસએફ અને પોલીસે મળી આ આતંકીઓને સરન્ડર થવા ભીંસમાં લીધા હતાં. લાંબી મથામણને અંતે ત્રણેય આતંકી દબોચાઇ ગયા હતાં. 

પી.આઇ. એચ.આર. ભાટુ, પીએસઆઇ એચ. એમ. રાણા સહિતના અધિકારીઓ અને ટીમો પણ જોડાયા હતાં.

(3:29 pm IST)