રાજકોટ
News of Thursday, 28th May 2020

કીટીપરાની મહિલા બુટલેગરને કોરોના પોઝિટિવઃ પ્ર.નગર પીએસઆઇ અને ૬ કર્મચારીના રિપોર્ટ કરાવાયાઃ કવોરન્ટાઇન

ગઇકાલે પોલીસે કીટીપરા આવાસ કવાર્ટરમાંથી દેવીપૂજક મહિલા હસુ રાઠોડને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી હતીઃ તેનો આજે રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં પકડનાર પોલીસ ટીમમાં દોડધામ મચીઃ પાંચ દિવસ પછી ફરીથી બધાના રિપોર્ટ કરાવવામાં આવશે

રાજકોટ તા. ૨૮: કોરોનાના કેસનો અચાનક વધારો થવા માંડ્યો છે. જંગલેશ્વર સિવાયના શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસ જાહેર થવા માંડતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યાં હવે જંકશન પ્લોટ વિસ્તારના કિટીપરાની દેશી દારૂની બુટલેગર મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આ મહિલાને ગઇકાલે દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી લેનારા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ અને બીજા છ કર્મચારીઓ પણ પોતાનો રિપોર્ટ કરાવવા માટે હોસ્પિટલે પહોંચ્યા હતાં. રિપોર્ટ કરાવવામાં આવ્યા બાદ આ સાતેયને કવોરન્ટાઇન કરવાની કાર્યવાહી આરોગ્ય તંત્રએ કરી હતી.

જાણવા મળ્યા મુજબ આજે શહેરના વધુ ત્રણ નવા પોઝિટિવ કેસ જાહેર થયા છે તેમાં એક કેસ કીટીપરા આવાસ યોજના કવાર્ટર એફ-વિંગ ગ્રાઉન્ડ ફલોરમાં રહેતી હસુબેન મુનાભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.૪૫)નો છે. ગઇકાલે પ્ર.નગર પોલીસે બાતમી પરથી દરોડો પાડી આ મહિલાને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી લીધી હતી. પોલીસે ભઠ્ઠીના સાધનો, બેરલ, ૧૦૦ લિટર આથો, પાંચ લિટર દેશી દારૂ, ગેસનો બાટલો, ચુલો, તપેલુ, ડોલ, નળી, સ્ટીલની ગાગર મળી ૨૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મહિલાની અટકાયત કર્યા પહેલા તેનો કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવાયો હતો. જેનો આજે સવારે પોઝિટિવ રિપોર્ટ જાહેર થતાં પ્ર.નગર પોલીસ બેડામાં હડકંપ મચી ગઇ હતી.

પીઆઇ વી. એસ. વણઝારાએ તાકીદે આ મહિલાને પકડવાની કામગીરીમાં જોડાયેલા પીએસઆઇ સહિત સાત પોલીસ કર્મચારીઓને તુરત જ સિવિલ હોસ્પિટલમાં મોકલી કોરોના ટેસ્ટ કરાવવા વ્યવસ્થા કરાવી હતી. મહિલા બુટલેગરને પકડવાની કામગીરીમાં સામેલ પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ વેલુભા ઝાલા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ કૃષ્ણસિંહ ઝાલા, વિરદેવસિંહ, અશોકભાઇ હુંબલ તથા ચિંતનભાઇ કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલે પહોંચ્યા હતાં.

પીએસઆઇ શ્રી પટેલે કહ્યું હતું કે આરોપી મહિલા બુટલેગર હોઇ જેથી અમે સીધા સંપર્કમાં આવ્યા નહોતાં. પરંતુ પોલીસ મથકમાં તેણીને લાવવામાં આવી હોઇ અને ડી. સ્ટાફ રૂમમાં કાર્યવાહી થઇ હોઇ જેથી બધાના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. હાલ અમને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને પાંચ દિવસ પછી ફરીથી બધાના રિપોર્ટ કરવામાં આવશે.

(1:00 pm IST)