રાજકોટ
News of Monday, 28th May 2018

વિમા કંપનીને મેડીકલેઇમની રકમ ચુકવવા ગ્રાહક સુરક્ષા ફોરમનો હુકમ

કંપની આલ્‍કોહોલના કારણે કલેઇમ નકારી કાઢયો હતો

રાજકોટ તા. ર૮ :.. આલ્‍કોહોલ લેતા હોય તેવી વ્‍યકિતને મેડીકલેઇમ મળે નહિ તેવી વિમા કંપનીની રજૂઆતને નકારી કાઢીને રાજકોટ જીલ્લા ગ્રાહક ફોરમે મહત્‍વનો ચૂકાદો આપીને નેશનલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીને કલેઇમની પુરેપુરી રકમ ૭ ટકા વ્‍યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, રાજકોટ શહેરના પંચાયતનગરમાં રહેતા હિનાબેન ભટ્ટ છેલ્લા ઘણાં વર્ષોથી તેમનો તથા તેમના પતિ અને પુત્રીનો મેડીકલેઇમ નેશનલ ઇન્‍સ્‍યોરન્‍સ કાું. પાસેથી લેતા હતાં.

હિનાબેનના પતિ મનોજભાઇ ભટ્ટ આફ્રિકા મુકામે નોકરી કરતાં હોય ત્‍યાંના ઠંડા વાતાવરણને અનુરૂપ રહેવા આલ્‍કોહોલ લેવો ફરજીયાત હોય દવા તરીકે આલ્‍કોહોલ લેતા હતાં. આ દરમ્‍યાન મનોજભાઇ ભટ્ટને આફ્રિકાના ઝેરી મચ્‍છરો કરડવાથી કોંગો ફીવર થયેલ જેથી ર૦ થી રપ દિવસ આઇ. સી. યુ. માં રહી મરતા-મરતા બચી ગયેલ.

આ ફિવરમાંથી રીકવરી મળતા તેઓ પોતાના વતન રાજકોટ આવેલ. અને રાજકોટની પ્રખ્‍યાત સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ તથા ઓલ્‍મપસ હોસ્‍પીટલના તજજ્ઞો પાસે સારવાર લીધેલ. અને સારૂ થઇ ગયેલ. ત્‍યારબાદ પોતાની નેશનલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીમાં મેડીકલેઇમ રજૂ કરતાં કંપની દ્વારા તંબાકુ તથા આલ્‍કોહોલના સેવન કરનારને કલેઇમ મળી શકે નહિ તેવું કારણ આપી કલેઇમ ના મંજૂર કરેલ. જયારે તજજ્ઞો ડોકટરોનું સ્‍પષ્‍ટપણે માનવું હતું કે, હિનાબેનના પતિને થયેલ બિમારી બેકટેરીયાને લીધેલ થયેલ જેને આલ્‍કોહોલ સાથે કોઇ લેવા દેવા નથી. આથી હિનાબેને જિલ્લા ગ્રાહક તથા તજજ્ઞ ડોકટરના અભિપ્રાય અને ફરીયાદીબેનના વકીલ શ્રી એમ. જી. કટારીયાની દલીલો તથા રજૂઆતો ધ્‍યાને રાખી ફોરમે નેશનલ ઇન્‍સ્‍યુરન્‍સ કાું. ને ફરીયાદી બેનની કલેઇમની પુરી રકમ ૭ ટકા વ્‍યાજ તથા અરજી ખર્ચ સાથે ચુકવવાનો હુકમ કરેલ છે.

આમ કોર્ટ અને ફોરમ કેસના સંજોગોને જોઇને ન્‍યાય આપે છે કોઇ જડ નિયમોને વળગીને ચુકાદાઓ આપતી નથી, તેવું આ ચુકાદાથી પ્રસ્‍થાપિત થયેલ છે.

ફરીયાદી હિનાબેન વતી રાજકોટના યુવા ધારાશાષાી એમ. જી. કટારીયા રોકાયેલ હતાં.

(4:56 pm IST)