રાજકોટ
News of Monday, 28th May 2018

લોહાણા મહાજન રાજકોટની આવી પડેલી ચૂંટણીને તંદુરસ્ત સમાજનું લક્ષણ ગણાવતા હોદેદારો

કોર્ટના માર્ગદર્શન પ્રમાણે ચૂંટણી લડવા અમો સજ્જ છીએઃ કાશ્મીરાબેન નથવાણી . ચૂંટણી થવી જ જોઈએઃ જનકભાઈ કોટક . નાયબ ચેરીટી કમિશ્નરનો હુકમ શીરોમાન્ય ગણી ચૂંટણીમાં ચૂંટાઇને જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો કરવા સૌ કટીબધ્ધ

રાજકોટ તા.૨૮ :.  લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી ૪૫ દિવસમાં બંધારણ મુજબ કરીનેચૂંટાયેલી નવી બોડીની નોંધ ચેરીટી કમિશ્નરની કચેરીમાં કરવવાના નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટ ચિરાગભાઇ જોષીના હુકમને લોહાણા મહાજનના હોદેદારો તથા આગેવાનોએ તંદુરસ્ત સમાજનું લક્ષણ ગણાવીને વધાવી લીધો હતો.

સમગ્ર લોહાણા સમાજનું પ્રતિનિધિત્વ કરતી માતૃસંસ્થા લોહાણા મહાજન રાજકોટના હોદેદારો કાશ્મીરાબેન નથવાણી, જનકભાઇ કોટક, રમેશભાઇ ધામેચા, મિતલભાઈ ખેતાણી, ડો. પરાગ દેવાણી, રાજુભાઇ પોબારૂ વિગેરેએ નાયબ ચેરીટી કમિશ્નરના હુકમને શીરોમાન્ય ગણી ન્યાયીક રીતે થયેલ ચૂંટણીમાં જે કોઇ પેનલ ચૂંટાઇને આવે તે માન્ય રાખી જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો માટે હરહંમેશ કટીબધ્ધ હોવાનું જણાવ્યું હતું.

મહાજન પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ચૂંટણી બાબતે હજુ સુધી અમોને કોઈ સત્તાવાર લેખિત ઓર્ડર મળ્યો નથી. ઓર્ડર મળ્યે અમો ચેરીટી કમિશ્નરની કોર્ટને ચૂંટણી વિશે વિગતવાર માર્ગદર્શન આપવા જણાવીશુ. ચૂંટણી કઈ રીતે કરવી ? તે બાબતનું માર્ગદર્શન અમો સૌ પ્રથમ કોર્ટ પાસે માગવાની છીએ તેવુ કહ્યુ હતું. તેઓએ ઉમેર્યુ હતુ કે, વર્ષો પહેલા બંધારણ બન્યુ ત્યારે જ્ઞાતિની વસ્તી ખૂબ જ ઓછી હતી, જ્યારે આજે આશરે પોણા ત્રણ લાખ જેટલી વસ્તી હોવાથી પ્રેકટીકલી ચૂંટણી કઈ રીતે શકય બને તે માર્ગદર્શન કોર્ટ પાસે મેળવવાનું રહે છે. ચૂંટણી માટે હાલની બોડી સંપૂર્ણ સજ્જ હોવાનું પણ તેઓએ ઉમેર્યુ હતું. મહાજન ઉપપ્રમુખ જનકભાઈ કોટકે ચૂંટણીની સ્પષ્ટ તરફેણ કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, લોહાણા મહાજન રાજકોટ ટ્રસ્ટમાં છેલ્લા ૧૬ વર્ષોથી કોઇપણ જાતની ચૂંટણી પ્રક્રિયા કરવામાં નથી આવી, બંધારણ મુજબ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે વિગેરે જેવા અમુક મુદાઓ સંદર્ભે સંજયભાઇ લાખાણીએ હાઇકોર્ટમાં દાદ માંગી હતી. આ દાદ સંદર્ભે હાઇકોર્ટે બંધારણ મુજબ ચૂંટણી કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સંદર્ભે નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટ દ્વારા ૪૫ દિવસમાં નિરિક્ષકોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે લોહાણા મહાજન રાજકોટની ચૂંટણીમાં ઋચૂંટાયેલી નવી બોડીની નોંધ કરવા હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.

ચૂંટણીની જાહેરાત થતાં રાજકોટમાં આશરે પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા લોહાણા સમાજમાં પણ ઉતેજના છવાઇ ગઇ છે.

(4:17 pm IST)