રાજકોટ
News of Monday, 28th May 2018

ખોડિયારપરામાં મહિલા કોંગી કોર્પોરેટરના પતિનો મ્યુ. કોર્પોરેશનના આસીસ્ટન્ટ ઇજનેર પર હુમલો

વોર્ડ નં. ૧૫માં આઠ મહિનાથી પીવાના પાણીમાં ભૂગર્ભનું પાણી ભળી જતું હોઇ રજૂઆત વેળાએ જામી પડી :મહિલા કોર્પોરેટરના પતિ રામભાઇ હેરભા અને લક્ષમણભાઇ વિરૂધ્ધ ગુનો નોંધાયોઃ રામભાઇની પણ વળતી ફરિયાદ

તસ્વીરમાં વોર્ડ નં. ૧૫ના કોંગી કોર્પોરેટરના પતિ રામભાઇ હેરભા તથા અન્ય રહેવાસીઓ તેમજ બાજુમાં ફરિયાદ કરનાર મ્યુ. કોર્પોરેશનના એડી. આસી. ઇજનેર અરજણભાઇ સદાદીયા જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૮: શહેરના વોર્ડ નં. ૧૫માં પીવાના પાણીની લાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતું હોઇ આ પ્રશ્નનો નિકાલ કરવા બાબતે માથાકુટ કરી આ વોર્ડના મહિલા કોંગી કોર્પોરેટરના પતિ સહિત બે જણાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ આસીસ્ટન્ટ એન્જિનીયરને ગાળો દઇ મારકુટ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. વળતી ફરિયાદ કોર્પોરેટરના પતિએ પણ નોંધાવી છે.

આ બનાવ સંદર્ભે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડી. આસી. એન્જિનીયર તરીકે નોકરી કરતાં અને મવડી આસ્થા રેસિડેન્સી પાસે કેશવ રેસિડેન્સી બ્લોક નં. ૫માં રહેતાં અરજણભાઇ ડાહ્યાભાઇ સદાદીયા (કોળી) (ઉ.૫૨)ની ફરિયાદ પરથી વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર માસુબેનના પતિ રામભાઇ જૈતાભાઇ હેરભા, કોંગી આગેવાન લક્ષમણભાઇ સામે ગુનો નોંધ્યો છે.

અરજણભાઇ સદાદીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આજે હું મારી નોકરી પર ઓફિસે હતો ત્યારે ઉપરી અધિકારી વી.સી. પટેલીયા જે અમારી ઓફિસમાં નાયબ કાર્યપાલક ઇજનેર છે તેનો ફોન આવ્યો હતો કે ખોડિયારપરા વિસ્તારમાં ગંદા પાણીના નિકાલનો પ્રોબ્લેમ છે અને જે બાબતે કામગીરી કરવાની છે. આથી હું અમુલ ચોક પાસે હોકર્સ ઝોન નજીક રામભાઇ હેરભાની ઓફિસે ગયો હતો. સવારે ૯-૧૫ કલાકે મારી સાથે અધિકારી શ્રી પટેલીયા, મયુરભાઇ રાઠોડ પણ હાજર હતાં.

રામભાઇની ઓફિસે તે પોતે તથા લક્ષમણભાઇ અને વશરામભાઇ સાગઠીયા પણ હતાં. આ વખતે રામભાઇ અને લક્ષમણભાઇએ મને ગંદા પાણીનો નિકાલ કેમ કરતાં નથી? તેવું કી ગાળો દીધી હતી અને લક્ષમણભાઇએ પકડી લઇ રામભાઇએ પાછળથી પીઠ પર ઢીકા-પાટુનો માર મારતાં મુંઢ ઇજા થઇ હતી. મેં સારવાર કરાવી નથી.

થોરાળાના પી.આઇ. સોનારાની રાહબરી હેઠળ પીએેસઆઇ જે. જી. ચોૈધરીએ આઇપીસી ૩૩૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટ કરી મારકુટ કરવાનો ગુનો નોંધ્યો છે.

વળતી ફરિયાદ

સામા પક્ષે મહિલા કોર્પોરેટરના પતિ રામભાઇ જૈતાભાઇ હેરભાએ પણ કોર્પોરેશનના અધિકારીઓ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું હતું કે વિસ્તારમાં પીવાના પાણીમાં ભૂગર્ભનું પાણી ભળી જતું હોઇ અને ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન હોઇ તેના કારણે ચામડીના રોગ ફેલાઇ જવાની ભીતી ઉઠી હોવાથી આઠ મહિનાથી રજૂઆત કરવા છતાં કાર્યવાહી થઇ ન હોઇ આજે ફરીથી રજૂઆત કરતાં  માથાકુટ કરવામાં આવી હતી.

(4:08 pm IST)