રાજકોટ
News of Monday, 28th May 2018

દુઃખનું કારણ સંયમનો અભાવ છે, નહિં કે વસ્તુનો અભાવઃ પૂ.અપૂર્વમુનિ સ્વામી

વ્યસન મુકિત, એકતા, આધ્યાત્મિકતા એમ સર્વ પ્રકારે વિકાસ માટે બીએપીએસ લીડર છેઃવિજયભાઈ

 રાજકોટઃ પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ તથા રાજકોટ મંદિર દ્ધીદશાબ્દી મહોત્સવ ઉપક્રમે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રેસકોર્ષ મેદાન ખાતે 'માનવ ઉત્કર્ષ મહોત્સવ' યોજાયો હતો.

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના જીવન દરમ્યાન તેમની એકજ જીવનભાવના રહેલી કે ''બીજાના સુખમાં આપનું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ'' આ વિચારને પ્રત્યેક લોકો સુધી પહોંચાડીને પ્રત્યેક માનવીને જીવન જીવવાની પ્રેરણા મળે તથા દરેક મનુષ્યનું જીવન ઉત્કૃષ્ટ બને અને સર્વેનું જીવન સુખ, શાંતિમય બને તે માટે માનવ ઉત્કર્ષ મહોત્સ્સવનું આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂ.અપૂર્વમુની સ્વામીએ ''દુઃખદનો દેહાંત અને સુખનો સૂર્યોદય''એ વિષયક વકતવ્ય દ્વારા જણાવ્યું હતું કે, 'દુઃખનું કારણ સંયમનો અભાવ છે નહી કે વસ્તુનો અભાવ. સાચું સુખ સાધનોથી નહી પરંતુ સાધનાથી છે. સુખ એ વસ્તુથી નહી પણ વિચારોથી છે. જે વ્યકિત સદ્દગુણોના વિચારોથી જીવે છે તેના જીવનમાં જ સુખનો સૂર્યોદય થાય છે. આપણે દુઃખોને ડિલીટ નથી કરતા અને સુખોને સેવ નથી કરતા. પૂ.પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પણ ઘણા દુઃખો આવ્યા, છતાં પણ તેઓએ પોતાના સમગ્ર જીવન દરમ્યાન સવળો અભીગમ રાખી સુખની અનુભૂતિ કરવાનો આદર્શ માર્ગ સમાજને ચીંધ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પૂ.પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી ઉપક્રમે થનાર સામાજીક પ્રવૃત્તિઓને બિરદાવતા કહ્યું હતું કે, 'વ્યસનમુકિત, એકતા, આધ્યાત્મિકતા એમ સર્વ પ્રકારે વિકાસ માટે બી.એ.પી.એસ. લીડર છે' તેમજ બી.એ.પી.એસ. સંસ્થાના સમાજ ઉત્થાનના પ્રકલ્પ બદલ પૂજય મહંતસ્વામી મહારાજનો આભાર વ્યકત કરી જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામીનું ઋણ ચૂકવાય એવું નથી. પરંતુ એમના જન્મજયંતી મહોત્સવે ફુલની પાંખડી સમાન સેવા કરી લઈએ. આ મહોત્સવમાં મુખ્યમંત્રી તરીકે નહી પરંતુ રાજકોટના સંતાન તરીકે સહભાગી બનીશ.

માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ ચરણમાં પરંમ પૂજય મહંતસ્વામી મહારાજે તમામ ભકત સમુદાયને આશીર્વાદ પાઠવ્યા હતા કે, 'પ્રમુખ સ્વામીએ રાત દિવસ માનવ ઉત્કર્ષ માટે જીવન વિતાવ્યું છે. બધાનું કલ્યાણ થાય, ભલું થાય, એ જ પ્રમુખસ્વામીની શુધ્ધ ભાવના હતી.'

રેષકોર્ષના ગ્રાઉન્ડમાં ૫૦ હજારથી વધુ હરિભકતો તેમજ ૧૫૦થી વધુ સંતોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. સમૂહ આરતી વખતે એક સાથે હજારો દીવડાઓના ઝગમગાટથી એક અનોખો આધ્યાત્મિક માહોલ રચાયો હતો. માનવ ઉત્કર્ષ મહોત્સવની પુર્ણાહુતી દરમ્યાન પૂજય પ્રમુખસ્વામી મહારાજ ૯૮માં જન્મજયંતી મહોત્સવના હાર્દસમું નૃત્ય યુવાનો દ્વારા પ્રસ્તુત કરી ભાવાંજલિ પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાનાર સામાજીક અને સંસ્કૃતિક કાર્યક્રમો

* વિરાટ સ્વચ્છતા અભિયાન અંતર્ગત યુવાનો દ્વારા રાજકોટ શહેરના માર્ગો અને જાહેર સ્થળોને સ્વચ્છ કરવામાં આવશે.

* ભવ્ય બાળ મહોત્સવમાં પ્રેરક વિડીયો શો તથા મનમોહક નૃત્ય રજુ થશે.

* યુવા જાગૃતિ અભિયાનમાં યુવાનો ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્રના વિકાસની દિશામાં કટિબદ્ધ થાય તેવા વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.

* છાત્ર સંસ્કૃતિ યાત્રામાં રાજકોટ જીલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કારી જીવનના પાઠ શીખશે.

* સર્વરોગ નિદાન કેમ્પ તથા રકતદાન યજ્ઞ

*વૈદિક વિશ્વશાંતિ મહાયાગ

* પર્યાવરણ બચાવો અભિયાન

* વિરાટ વ્યસનમુકિત અભિયાન બી.એ.પી.એસ.સંસ્થાના બાળસેવકો દ્વારા વ્યસનમુકત જીવન જીવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કરવામાં આવશે અને વ્યસન પાછળ વેડફાતા દેશના કરોડો રૂપિયાની બચત કરવામાં આવશે.

(4:00 pm IST)