રાજકોટ
News of Monday, 28th May 2018

ધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવું કૃત્યઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો

જે મોબાઇલ નંબરમાં પ્રોફાઇલ પિકચર રખાયું અને વ્હોટ્સએપ પર મેસેજ મોકલાયા એ નંબર સર્ચ થતાં સોનુ ડાંગરનું નામ મળ્યું: ડો. અઝીઝ ઠાસરીયાની ફરિયાદ નોંધવામાં આવી

રાજકોટ તા. ૨૮: ધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તે પ્રકારની પ્રોફાઇલ વ્હોટ્સએપમાં રાખી તેમજ આવા લખાણ વ્હોટ્સએપ પર જુદા-જુદા યુવાનોને ફોરવર્ડ કરી લાગણી દુભાવાતાં રવિવારે રાત્રે ભકિતનગર પોલીસ મથક પાસે લોકોના ટોળા ભેગા થઇ ગયા જતાં તંગદીલી વ્યાપી ગઇ હતી. મોડી રાત્રે પોલીસે ડોકટર મુસ્લિમ યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે નિલકંઠ ટોકિઝ પાછળ મેહુલનગર મેઇન રોડ ભરતવન સોસાયટીમાં રહેતાં ડો. અઝીઝ મહેમુદભાઇ ઠાસરીયા (ઘાંચી) (ઉ.૩૫)ની ફરિયાદ પરથી મોબાઇલ નં. ૯૬૨૪૩ ૫૭૨૫૭ના ધારક તથા પોલીસ તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૧૫૩ (ક), ૨૯૫ (ક), ૨૯૮, ૫૦૪ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ડો. અઝીઝભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું સંજરી કલીનિક નામે દવાખાનુ ચલાવુ છું. શનિવારે સવારે સાડા અગિયારેક વાગ્યે હું મેહુલનગરમાં મારા કલીનિક પર હતો ત્યારે મારા મિત્રો એઝાઝ પરાસરા તથા રફિકભાઇ સૈયદ આવ્યા હતાં. આ બંનેએ જાણ કરી હતી કે મો. નં. ૯૬૨૪૩ ૫૭૨૫૭ ઉપર વ્હોટ્સએપમાં જે પ્રોફાઇલ પિકચર રખાયું છે તે ઇસ્લામ ધર્મની લાગણી દુભાય તેવું છે અને આ પ્રોફાઇલ પિકચર રાખનારના નંબર ટ્રુ કોલરમાં સર્ચ કરતાં સોનુ ડાંગરનું નામ અને તેનું ઇ-મેઇલ એડ્રેસ આવે છે. આથી અમે તુરત જ પોલીસ અરજી આપી હતી.

ત્યારબાદ રાત્રીના સાડા અગિયાર સુધી તપાસ કરતાં અમારી કોમના ઘણા યુવાનો અઝરૃદ્દીન સલોદ, મકસુદ ધોણીયા સહિતનાને વ્હોટ્સએપ નં. ૯૬૬૨૪૩ ૫૭૨૫૭ તરફથી ફોટા મોકલાયા હતાં. જેમાં અત્યંત ખરાબ ભાષામાં લખાણ હતું અને કોમના ધર્મગુરૃ વિશે ઘસાતુ લખાયેલુ હતું. આ નંબર ધરાવતી વ્યકિતએ ૨૩/૫ના રાત્રીના અગિયારથી ૨૭/૫ના રાત્રીના અગિયાર સુધી સોશિયલ મિડીયા નેટવર્કિંગ સાઇટ વ્હોટ્સએપ મારફત અમારી કોમના યુવાનોને અવા લખાણ મોકલ્યા હતાં.

પોલીસે આ ફરિયાદ પરથી ધર્મગુરૃ વિશે ધર્મ વિશે અને કોમ વિશે ઘસાતુ લખી ઇરાદા પુર્વક પ્રોફાઇલ પિકચરમાં મુકી તેમજ ફોરવર્ડ કરી જુદી-જુદી કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવું કૃત્ય કરી ધાર્મિક લાગણી દુભાવવા સબબ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

ઉલ્લેખનનિય છે કે અગાઉ પણ સોનુ ડાંગર વિરૃધ્ધ આ રીતે ધર્મને લગતી ઉશ્કેરણી કરવા સબબ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ થઇ હતી. એ વખતે રેલી પણ નીકળી હતી. ત્યાં ફરીથી જે નંબર પરથી વ્હોટ્સએપ વહેતા થયા છે એ સોનુનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. જો કે આ ફોન અત્યારે સોનુ પોતે વાપરે છે કે અન્ય કોઇ? તે સ્પષ્ટ ન હોઇ પોલીસે ૯૬૨૪૩ ૫૭૨૫૭ નંબરના ધારક તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.

(3:52 pm IST)