રાજકોટ
News of Wednesday, 28th April 2021

રાજકોટની ખાનગી અનેક હોસ્પિટલો દર્દીઓને હેરાન કરવા માંડી : કલેકટરને ફરિયાદ : ઇન્જેકશનનું 'વોટ્સ એપ' કરી દર્દીને કહે છે... હવે તમે લઇ આવો

કલેકટરે કડક શબ્દોમાં સૂચના આપી છે કે જે તે હોસ્પિટલે જ મોકલવાનું અને ઇન્જેકશન મેળવવાના છતાં હાથ ઉંચા કર્યા : ભારે દેકારો બોલી ગયો : અમુક હોસ્પિટલો જાણી જોઇને ઇન્ડેન ફોર્મ ભરતી નથી - પરિણામે રીકવેસ્ટ રીજેકટ થાય

રાજકોટ તા. ૨૮ : રાજકોટની અનેક ખાનગી નાની-મોટી હોસ્પિટલના સંચાલકો અને ડોકટરોએ હવે નવુ તુત ઉભું કરતા અને કલેકટર સમક્ષ આજે ફરીયાદો આવતા તંત્ર ચોંકી ઉઠયું છે અને દર્દીઓમાં દેકારો મચી ગયો છે.

મળતી વિગતો મુજબ રાજકોટની એક ડઝન હોસ્પિટલોએ એવું તુત શરૂ કર્યું છે કે પોતાને ત્યાં કોરોના દર્દી દાખલ થયેલ અને તેને રેમડેસિવિર ઇન્જેકશનની જરૂરત પડે તો તુર્ત જ કલેકટરે વોટ્સઅપ નંબરવાળી ગોઠવેલી વ્યવસ્થા ઉપર મેસેજ મોકલી દે છે, દર્દીની વિગતો મોકલી દે છે, પરંતુ હોસ્પિટલનો સ્ટાફ ઇન્જેકશન લેવા મોકલતી નથી અને ડોકટરો કે મેનેજમેન્ટ - સંચાલકો દર્દીઓને હેરાન કરી કહી દે છે કે તમે તમારા સગાને કહો ઇન્જેકશન ડેપો ઉપરથી લઇ આવે, અમે તો મોકલી દીધું હવે ઇન્જેકશન લઇ આવવાની જવાબદારી તમારી !!

પરિણામે દર્દી અને તેના સગા ભારે મુંઝવણમાં મુકાયા છે, ચૌધરી હાઇસ્કુલ બાજુમાં આવેલ કુંડલીયા કોલેજ ખાતાના કલેકટર તંત્રના રેમડેસિવિર ઇન્જેકશનના ડેપો ઉપર કલાકો લાઇનોમાં ઉભા રહેવું પડે છે, ઇન્જેકશનો મળતા નથી, ત્યાં મુકાયેલ અમુક સ્ટાફ ભારે તોછડાઇ કરતો હોય છે, કોઇ કોઇ વખત ત્યાં મુકાયેલ પોલીસના કર્મચારીઓ ભારે ઉધ્ધતાઇ કરતા હોવાનું બહાર આવયું છે. આ બધી ફરિયાદો ખાસ કરીને હોસ્પિટલો ઇન્જેકશન અંગે હાથ ઉંચા કરવા માંડી તેની વિશેષ ફરિયાદો કલેકટર સમક્ષ આજે પહોંચી છે. કલેકટરે કડક ભાષામાં સૂચના આપી છે કે જે તે હોસ્પિટલે જ રીકવેસ્ટ ઇન્જેકશન માટે મોકલવાની અને તેમનો સ્ટાફ જ ઇન્જેકશન લઇ જશે છતાં હાથ ઉંચા કરાયા છે, દર્દીઓ પારાવાર પરેશાન થઇ રહ્યા છે, અરે અમુક હોસ્પિટલ તો જાણી જોઇને ઇન્ડેન ફોર્મ ભરતી નથી, આવા બે દાખલા આજે બહાર આવ્યા છે, કલેકટરે કડક પગલા લેવા જરૂરી બન્યું છે.

(4:26 pm IST)