રાજકોટ
News of Wednesday, 28th April 2021

નાના ધંધાર્થીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરોઃ કોંગ્રેસ

એક વર્ષની કોરોના સંક્રમણની ચેન તોડવાની ગુલબાંગો, રાત્રી કર્ફયુ છતા કેસોમાં ૬ ગણો વધારોઃ ઝાલા-તલાટીયા ભરવાડનો આક્ષેપ

રાજકોટ, તા.૨૮: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવકતા ગજેન્દ્ર સિંહ ઝાલા, શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયા, લોક વિચાર મંચના ધીરુભાઈ ભરવાડ, હિતાબેન વાડોદરિયા, સરલાબેન પાટડિયાની સંયુકત યાદીમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં તાકીદે રાષ્ટ્રપતિ શાસન લાદવાની આવશ્યકતા છે. કારણ કે ગુજરાત સરકાર કોરોના ની ચેન તોડવામાં સદંતર નિષ્ફળ પુરવાર થઇ છે. ખુદ શાસક પક્ષના ધારાસભ્યો સાંસદો એ સરકારની આકરી ટીકા કરી છે. હાલ હોસ્પિટલમાં દર્દીને બેડ નથી મળતા દર્દીને ઓકિસજન નથી મળતો ઈમરજન્સી સારવારની ૧૦૮ અને ૧૦૪ પણ ૨૪ કલાક પછી આવે છે. દવાનો ખલાસ હોય છે.

વધુમાં કોંગી અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે, અગાઉ ૨૦ શહેરોમાં રાત્રે કર્ફ્યુ હતો આજથી શહેરોમાં વધારો કરી ૨૯ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગ્યો છે રાત્રી કર્ફ્યુ હોવા છતાં કોરોના ના કેસો માં તોતિંગ વધારો થયો છે અને છ ગણા કેસો ( સરકારી આંકડા મુજબ) વધી ગયા છે. તો રાત્રિ કરફ્યુ અસરકારક નથી અને હાઈકોર્ટે લોકડાઉન એ ઉકેલ નથી તેવું કહ્યું હોવા છતાં સરકારે તા. ૫મે સુધી આંશિક લોકડાઉન અને રાત્રે કર્ફ્યુ કરી દીધો છે.

સરકાર રાત્રિના ધંધાર્થીઓને અને લોકડાઉનના પગલે નાના ધંધાર્થીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવુ આવશ્યક છે. રાજયમાં એક વર્ષથી કોરોના ની ચેન તોડવાની વાતો કરતી સરકાર તમામ મોરચે નિષ્ફળ પુરવાર થઇ છે. તેમ અંતમાં ગજેન્દ્ર સિંહ ઝાલા, રમેશભાઈ તલાટીયા, ધીરુભાઈ ભરવાડે આક્ષેપ કર્યા હતા.

(4:24 pm IST)