રાજકોટ
News of Wednesday, 28th April 2021

રાજકોટ જિલ્લા બેંકનો નફો ૧ર૯ કરોડઃ ખેડૂતો માટે રોકડ શાખ યોજનાઃ ઓજાર લોન મર્યાદા ૩ લાખ

ખેડૂત સભાસદો માટે વિઠ્ઠલભાઇ રાદડિયા મેડીકલ સહાય યોજના : મધ્યમ મુદત ખેતી ધીરાણમાં નિયમિત ખેડૂતોને ૧ ટકા વ્યાજ સહાયઃ મંડળીઓના કર્મચારીઓને ૧ લાખ સુધીની લોનઃ જયેશ રાદડિયાના નેતૃત્વમાં ગતિ સાથે પ્રગતિઃ બેંકની ગૌરવ ગાથા વર્ણવતા જનરલ મેનેજર વી. એમ. સખિયા

રાજકોટ તા. ર૮ :.. જિલ્લા સહકારી બેંક દ્વારા ચેરમેન અને રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના નેતૃત્વમાં ગત નાણાંકીય વર્ષમાં રૂ. ૧ર૯ કરોડનો (અનઓડીટેડ) નફો કરવામાં આવ્યો છે. સરકારની આત્મનિર્ભર યોજના હેઠળ અરજદારોને ૧૦૦ કરોડની લોન આપવામાં આવી છે. ૧૦ર કરોડની શેર મુડી છે. ૬૬પ૯ કરોડની થાપણા છે. ૪૧૮૧ કરોડ ધીરાણ અપાયું છે. થાપણદારોની સંખ્યા વધીને ૮.૦૬ લાખ થયેલ છે. વસુલાત ક્ષેત્રે છેલ્લા ર૭ વર્ષથી બેંક ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. બોર્ડ નવા નાણાકીય વર્ષ માટે ખેડૂતલક્ષી રોકડ શાખ સહિતની યોજનાઓ જાહેર કર્યાનું બેંકના જનરલ મેનેજર વી. એમ. સખિયા જણાવે છે.

નવી જાહેર કરેલ યોજનાઓ અને રાહતો

ખેડૂતો માટે રૂ. ર.૦૦ લાખની નવી રોકડ શાખ યોજના, ખેત ઓજાર જાળવણી હેઠળની લોનની મર્યાદા રૂ. ર.૦૦ લાખમાં વધારો કરી રૂ. ૩.૦૦ લાખ., મ. મુ. ખેતી ધીરાણમાં રેગ્યુલર ખેડૂતોને ૧ ટકા વ્યાજ સહાય., ખે. વી. મંડળીઓના કર્મચારીઓને રૂ. ૧.૦૦ લાખની રો. શા. લોન., કે. સી. સી. ધિરાણમાં મંડળીઓને ૧ ટકા માર્જીનમાં વધારો કરી ૧.રપ ટકા માર્જીન. મંડળીના ખેડૂત સભાસદોને વિઠલભાઇ રાદડીયા મેડીકલ સહાય યોજના હેઠળ રૂ. ૧ર,૦૦૦ ની મેડીકલ સહાય.

બેંકની નમુનારૂપ કામગીરી

આ બેંક તરફથી ખેડૂતોને ૦, વ્યાજના દરે રૂ. રપર૩ કરોડ જેટલુ કે. સી. સી. ધિરાણ કરેલ છે. મંડળી સાથે જોડાયેલ ખેડૂત સભાસદોના બેંક તરફથી રૂ. ૧૦ લાખનો અકસ્માત વીમો લેવામાં આવે છે અને તેનું તમામ પ્રીમીયમ બેંકે ભરેલ છે.

ટેકનોલોજી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર

આ બેંકની તમામ ૧૯૯ શાખાઓ સીબીએસ નેટવર્કથી જોડાયેલ છે. જેથી દરેક શાખમાં ઇન્ટર બ્રાંચ નાણાકીય વ્યવહાર કરી શકે છે, બેંક મારફત રૂપે ડેબીટ કાર્ડ, રૂપે કિશાન કાર્ડ, મોબાઇલ બેંકીંગ, એટીએમ, માઇક્રો એટીએમ, આરટીજીએસ, એનઇએચટી, એસએમએસ એલર્ટ સુવિધા, આધાર લીંકેજ ખાતાઓની સુવિધા શરૂ કરેલ છે. તેમજ આ બેંકની મુખ્ય કચેરીનાં આધુનિક બીલ્ડીંગમાં ર૪ કલાક ૩૬પ દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા તથા દાગીના ધિરાણની સુવિધા આપવામાં આવે છે.

(3:22 pm IST)