રાજકોટ
News of Wednesday, 28th April 2021

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તેમના ઘરનું ભોજન અપાવવા ધમધમતો કંટ્રોલ રૂમ

રાજકોટ તા. ૨૮ : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ  વિભાગમાં કોરોનાના દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવારની વ્યવસ્થા તો છે જ, સાથે સાથે દર્દી અને તેના સ્વજનો સાથે કોમ્યુનિકેશન અને અન્ય જરૂરિયાતો પણ જળવાઈ રહે એ માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં વહીવટી તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીના સગા દ્વારા દર્દીને વિડીયોકોલ ઉપરાંત દર્દીને અંગત જરૂરિયાત માટેની વસ્તુઓ, ડોકટરના માર્ગદર્શન મુજબની કાયમ લેતા હોય તેવી દવાઓ, દર્દીની માગણી મુજબની વસ્તુઓ અથવા તેના સગા સંબંધીઓ જે મોકલવા માગતા હોય તેના પાર્સલ પેક કરીને દર્દીને પહોંચાડવાની સેવા ઉપલબ્ધ છે. જે અંતર્ગત દરરોજ ૫૦૦ જેટલા પાર્સલ સિવિલ હોસ્પિટલના વિવિધ ફલોર પર પહોંચાડી દેવામાં આવે છે. આ માટે ખાસ સ્ટાફ નિયુકત કરવામાં આવ્યો છે. પાર્સલના નંબર અને દર્દીના નામના સ્ટીકર લગાડીને તમામ દર્દીને તેમનુ પાર્સલ મળી જાય એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

(3:18 pm IST)