રાજકોટ
News of Wednesday, 28th April 2021

પારકા ઘરના કામ કરી ઘરે મોડી પહોંચેલી મુસ્કાન પર શંકા કરી પતિ યુનુસે છરીના ઘા ઝીંકયા'તાઃ ખૂનની કોશિષનો ગુનો

ગંભીર ઇજાગ્રસ્ત અકિલા ઉર્ફ મુસ્કાન ભાનમાં આવતાં પ્ર.નગર પોલીસે ફરિયાદ નોંધીઃ આરોપી સકંજામાં

રાજકોટ તા. ૨૭: રૂખડીયા કોલોની પાસેના રાજીવનગરમાં રહેતી અકિલાબેન ઉર્ફ મુસ્કાનબેન યુનુસ સિપાહી (ઉ.વ.૩૧) નામની પરિણીતાને તેના પતિ યુનુસ રફિકખાને પરમ દિવસે છરીથી હુમલો કરી પેટમાં બે ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેણી ભાનમાં આવતાં પોલીસે પુછતાછ કરતાં પોતાના પર પતિએ ખોટી શંકા કરી ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધાનું કહેતાં પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

અકિલાબેન સોમવારે સાંજે ઘરે હતી ત્યારે પતિએ ઝઘડો કરી છરીથી હુમલો કરી દેતાં પેટ-પેડુમાં ગંભીર ઇજા થઇ હતી. લોકો ભેગા થઇ જતાં તેણીને સારવાર માટે ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ સંજયભાઇ દવે સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પરંતુ અકિલાબેન ઉર્ફ મુસ્કાનબેન બેભાન હોઇ નિવેદન નોંધી શકાયું નહોતું.

અકિલાબેનના માવતર માલેગાંવ રહે છે. તેણીને સંતાનમાં બે પુત્રી છે. સગાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે તેણીનો પતિ કંઇ કામધંધો કરતો નથી અને નશો કરવાની ટેવ ધરાવે છે. દારૂ પી વારંવાર નાની નાની વાતે ઝઘડા કરી મારકુટ કરતો રહે છે. દરમિયાન ગત સાંજે તેણી ભાનમાં આવતાં પોલીસે તેની પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે પતિ કામ ધંધો કરતો ન હોઇ ઘરનું ગુજરાન ચલાવવા પોતે પારકા ઘરના કામ કરવા જાય છે. સોમવારે સાંજે કામેથી ઘરે પહોંચવામાં મોડુ થઇ જતાં પતિએ ખોટી શંકા કરી મોડુ કેમ થઇ ગયું? તેમ કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. એએઅસાઇ કનુભાઇ માલવીયાએ ગુનો દાખલ કરાવ્યો હતો.

(1:06 pm IST)