રાજકોટ
News of Saturday, 28th March 2020

ઘર બહાર ન નિકળોઃ કરિયાણા-શાકભાજી હોમ ડિલવરીની વ્યવસ્થા છેઃ મેયર

શહેરના તમામ ૧૮ વોર્ડમાં લતાઓ - શેરીઓ - સોસાયટીઓની કરિયાણાની દુકાનોએ બે-ત્રણ ડિલવરી રીક્ષાઓ મૂકાઇ : ૧ વોર્ડમાં ૧૦૦ થી ૧૫૦ દુકાનદારો સહિત : કુલ ૧૦૦૦ જેટલી દુકાનોનાં ફોન નંબર સહિતનું લીસ્ટ તૈયાર : લોકોને સહકાર આપવા મેયર બીનાબેન આચાર્ય - મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલની અપીલ

રાજકોટ તા. ૨૮ : શહેરમાં લોકડાઉનનો પૂરેપૂરો અમલ થાય તે માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં દરેક શેરી, લતાઓ, સોસાયટીઓમાં કરીયાણુ - શાકભાજી વગેરેની હોમ ડિલવરી થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહ્યાનું મેયર બીનાબેન આચાર્ય અને મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જાહેર કર્યું છે.

આ અંગે મેયર બીનાબેન તથા મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે. આ માટે શહેરીજનોને હવે અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નિકળવું જોઇએ.

આથી હવે નાગરિકોને તેઓની શેરી, મહોલ્લો, લતો કે સોસાયટીની કરિયાણાની દુકાનેથી શાકભાજી અને કરિયાણાની ચીજવસ્તુઓ મળી રહે તે માટે શહેરના વોર્ડ નં. ૧ થી લઇને વોર્ડ નં. ૧૮ આ તમામ વોર્ડની મળી ૧૦૦૦થી વધુ કરિયાણાની દુકાનોના ફોન નંબર સહિતની યાદી તૈયાર કરાઇ છે અને આ કરિયાણાની દુકાનો પાસે એકથી બે રિક્ષા ડિલવરી માટે મુકવામાં આવી રહી છે.  આમ, હવે લોકો ઘરેથી પોતાના વિસ્તારના કરિયાણા દુકાનદારને ફોન કરી રાહતદરે ચીજવસ્તુની હોમ ડિલવરી મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.  આથી લોકોએ પોતાના ઘરની નજીક લીલા રંગનું સ્ટીકર મારેલી કરિયાણાની દુકાનોના ફોન નંબર મેળવી લઇ અને ઘરે ચીજવસ્તુઓ મંગાવી લેવી તેવી અપીલ મેયર તથા કમિશ્નરશ્રીએ કરી છે.

(3:41 pm IST)