રાજકોટ
News of Saturday, 28th March 2020

રેલવેના પાટા ઉપર ચાલશો નહિઃ માલગાડીઓની હડફેટે ભોગ બની શકો છોઃ ડીઆરએમ રાજકોટ

વ્હેલી સવારે વાપી-કરમબેલી સ્ટેશનો વચ્ચે પાટા ઓળંગતા લોકો હડફેટે ચડી જતા બે મહિલાનો ભોગ લેવાઇ ચુકયો છે

રાજકોટ, તા., ર૮: આજે સવારે પાંચ વાગ્યા આસપાસ વાપી અને કરમબેલી સ્ટેશન વચ્ચે પાટા ઉપરથી પસાર થઇ રહેલા કેટલાક લોકો માલગાડીની હડફેટે આવી ગયા હતા જે પૈકી બે મહિલાઓના મૃત્યુ થયા હતા. આ ઘટના ધ્યાને આવતા રાજકોટના ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી પરમેશ્વર ફુંકવાલ દ્વારા ચેવવણી માટે અખબારી યાદી મોકલવામાં આવી છે. આ યાદીમાં જણાવાયું છે કે, લોકો રેલ્વેના પાટા ઉપર ચાલે નહિ કે પાટા ક્રોસ કરે નહી. લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે હાલમાં ટ્રેનો બંધ હોવાથી પાટા ચાલવા માટે સલામત છે. કેટલાક પરપ્રાંતીય મજુરો  ચાલીને પોતાના વતનમાં જવા પાટાનો ઉપયોગ કરતા થયા છે. આવા લોકો ચેતી જાય. કારણ કે પાટા ઉપર માલગાડીઓની આવન-જાવન સતત ચાલુ છે. વાપી નજીક સર્જાયેલો અકસ્માત અન્ય કોઇ જગ્યાએ પણ સર્જાઇ શકે છે અને તમે તેનો ભોગ ન બનો તે માટે પાટાનો ઉપયોગ હરગીઝ ન કરો. પાટા ઉપર ચાલવું એ કાનુની ગુન્હો બને છે. કોરોનાની સ્થિતિમાં લોકો કાનુન ભંગ કરી પાટાનો ઉપયોગ ચાલવા માટે કરી રહયા છે તે તેમના માટે જોખમી બની શકે છે. માટે કોઇ પણ લોકો પાટા પર ચાલવાનું કે પાટા ઓળંગવાનું જોખમ ન લે તેવી તાકીદ કરવામાં આવી છે.

(2:51 pm IST)