રાજકોટ
News of Sunday, 28th February 2021

રેલ્વેના કર્મચારીઓની માંગણીઓ પૂરી કરો, હિરેન મહેતા ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા

રાજકોટ સહિત ગામેગામથી રેલ્વે કર્મચારીઓનું મળી રહેલ સમર્થનઃ છાવણીના સ્થળે વિરોધ પ્રદર્શન

રાજકોટઃ. વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાની યાદી મુજબ કર્મચારીઓની વિવિધ માંગો જેવી કે ફીકસેશન એરીયર, નાઈટ ડયુટી, ઓવર ટાઈમ, પ્રમોશન, સિલેકશનની પરીક્ષા, કાર્ય સ્થળ પરની બેઝીક સુવિધાઓ, ખાલી જગ્યાઓ ભરવા, ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉપયોગ રેલકર્મીના પરિવાર અને બાળકો માટે કરવા દેવા જેવી અનેક માંગણીઓ, સમસ્યાઓને લઈને છેલ્લા ચાર દિવસથી ભૂખ હડતાલ પર વે.રે. મજદુર સંઘના નેજા હેઠળ રેલ કર્મચારીઓ બેઠેલા છે. પ્રશાસન દ્વારા ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતા સાથે વિભિન્ન માંગણીઓ માટે વાટાઘાટો કરેલ પરંતુ પ્રશ્નો પર ઠોંસ, નક્કર કાર્ય કરવામાં નહી આવે અને સંતોષકારક લેખીત જવાબ નહી મળે ત્યાં સુધી આજથી હિરેન મહેતા ભૂખ હડતાલ પર ઉતરેલ છે અને આથી રેલ કર્મચારીઓ તેમના સહયોગ માટે સતત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. જેઓ ફરજ પર છે અને રાજકોટથી દૂર કાર્યસ્થળ પર છે એવા ઓખા, દ્વારકા, જામનગર, હાપા, ખંભાળીયા, કાનાલુસ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વણીરોડ, મોરબી, નવલખી સુધીના રેલ કર્મચારીઓએ શુભેચ્છાઓ અને સહયોગ વ્યકત કરેલ છે તથા આવા મજબુત નેતૃત્વ હિરેન મહેતા માટે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે અને કર્મચારીઓની સમસ્યાઓનુ નિરાકરણ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘની હડતાલના પરિણામ સ્વરૂપ જરૂરથી આવશે એવી આશા વ્યકત કરી રહ્યા છે.

આ વિરોધ પ્રદર્શનમાં હિરેન મહેતાની સાથે અવની ઓઝા, આર.એચ. જાડેજા, એમ.કે. જાડેજા, અભિષેક રંજન, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભૂપત ચાવડા, મુકેશ મહેતા, હિતેષ જાની, દર્શનભાઈ, જસ્મીન ઓઝા, હિમાંશુભાઈ ઉદ્ધવ, મયુરસિંહ, વિષ્ણુ ગઢવી, જયરાજસિંહ, શૈલેષ ભટ્ટ, રાજેન્દ્રસિંહ, મનીષ મહેતા, કેતન ભટ્ટી કિશોરસિંહ, પુષ્પા ડોડીયા, ધર્મિષ્ઠા પૈંજા, પ્રીસ્ટન, કૌશિક જોશી, નીતાબેન, પન્નાબા, દક્ષાબેન રાવલ, જે.ડી. વસાવડા, એન.પી. રાવલ વગેરે જોડાયા છે.

(2:44 pm IST)