રાજકોટ
News of Friday, 28th February 2020

મ્યુ. કોર્પોરેશનની હાઇસ્કુલ આધુનિકતાના કદમે

કાલે સરોજીની નાયડુ હાઇસ્કુલમાં સ્માર્ટ કલાસનો પ્રારંભ : હવે વિદ્યાર્થીઓને અપાશે ડીજીટલ પર શિક્ષણ

રાજકોટ તા. ૨૮ : મહાનગરપાલિકા સંચાલીત શ્રી સરોજીની નાયડુ હાઈસ્કુલમાં ગુજરાત ગેસ લી.ના સહયોગથી બનાવવામાં આવેલ 'સ્માર્ટ કલાસ'નો શુભારંભ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરઝરીયા એક સંયુકત યાદીમાં જણાવ્યું છે.

રાજય સરકાર દ્વારા શિક્ષણનુ સ્તર ખુબ જ ઉચું આવે તે દિશામાં કામ કરી રહી છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત જુદી જુદી સ્કુલોમાં આધુનિકતા તરફ કાર્યવાહી કરી રહી છે. વિશેષમાં ગુજરાત ગેસ લી. દ્વારા સામાજીક દાયિત્વ અંતર્ગત મહાનગરપાલિકા સંચાલીત સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલમાં સ્માર્ટ કલાસ બનાવેલ છે. જેમાં સ્માર્ટ ડિસ્પ્લે, ઓડિયો-વિડીયો, ઈન્ટરનેટ તથા માહિતી સુરક્ષા જેવી અદ્યતન ટેકનોલોજીની સુવિધા સાથેના ૦૬ સ્માર્ટ કલાસ બનાવવામાં આવેલ છે. આ સ્માર્ટ કલાસના કારણે આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે ખુબ જ આશીર્વાદરૂપ બનશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

(3:38 pm IST)