રાજકોટ
News of Thursday, 28th February 2019

''ખુન કા બદલા ખુન''ની ઘટનામાં આરોપીઓની રીમાન્ડ અરજીઃ જેલની દિવાલ પાસે કોળી યુવકની હત્યા થયેલ

રાજકોટ,તા.૨૮: શહેરના પોપટપરા વિસ્તારમાં જેલની દીવાલ પાસે થયેલ કોળી યુવાનની હત્યા કરનાર આરોપીઓની પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ધરપકડ કરી રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાતા બન્ને આરોપીને પોલીસની રીમાન્ડ પર સોંપવાની માંગણી ફગાવી દેવામાં આવેલ હતી.

શહેરના પોપટપરા સેન્ટ્રલ જેલ નજીક સંતોષી માતાના પ્રેમજીભાઈ વડેચા અને તેના પિત્રાઈ વિપુલ વનરાજભાઈ વડેચા (ઉ.વ.૨૪)ના એકટીવાને જેલના મુખ્ય ગેઈટ સામે જ રેલનગર શિવમ પાર્કના સિંધી રાહુલ ટેકવાણી અને મનોજ રાઠોડે આંતરી મનોજ વડેચાને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઉતારી દીધેલ.

પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા (૧) રાહુલ રાજેશભાઈ ટેકવાણી, (૨) મનોજ રાઠોડની આઈ.પી.સી. ૩૦૨, ૧૧૪ વિગેરે મુજબના ગુન્હામાં ધરપકડ કરેલ હતી અને આકરી પુછપરછ બાદ પણ તપાસ બાકી રહેતા આરોપીઓને વધુ તપાસ માટે બે દિવસની રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવેલ હતા.

આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી ગોકાણી રીમાન્ડ અરજીનો સખત વિરોધ કરતા જણાવેલ હતુ કે, પોલીસ રીમાન્ડના જે કારણો દર્શાવેલા છે તે હાઈપોથીટેકલ કારણો છે અને સર્વોચ્ચ અદાલતના ચૂકાદાઓ ટાંકી ઈન્ટ્રોગેશન માટે રીમાન્ડ ન હોય પરંતુ ઈન્વેસ્ટીગેશન માટે સબળ કારણો હોય તો જ રીમાન્ડ આપી શકાય તે મુજબની દલીલો કરી પોલીસની તપાસની થીયરી ગેરબંધારણીય અને ગેરકાયદેસર હોવાની રજૂઆતો કરી રીમાન્ડ અરજી નામંજુર કરવા દલીલો કરાયેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલતને પોલીસે જે કારણોસર રીમાન્ડ માંગેલ છે તે કારણો રીમાન્ડ માટે અપુરતા હોવાનુ અને આરોપીને રીમાન્ડમાં મોકલવાની જરૂરીયાત ન હોવાનુ ઠરાવી રીમાન્ડ અરજી નામંજુર કરેલ હતી.

આ કામનાં બન્ને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ રોકાયેલ હતા.

(3:58 pm IST)