રાજકોટ
News of Friday, 28th January 2022

ચેક રીટર્ન કેસમાં પોસ્ટ ખાતાના કર્મચારીને થયેલ એક વર્ષની સજા અને વળતર ચુકવવાનો હુકમ અપીલમાં કાયમ રાખતી સેશન્સ કોર્ટ

રાજકોટ, તા.૨૮: પોસ્ટ ખાતાના કર્મચારી ખીમજીભાઇ દેવજીભાઇ ગાંગડીયાને મિત્રતાના સંબંધે આપેલા નાણાં પરત ન ચુકવતા આપેલ ચેક રીટર્નની ફરીયાદમાં નીચેની કોર્ટના સજા તથા વળતરના હુકમને કાયમ રાખવાનો અત્રેની સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

સદર બનાવની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી તુષારભાઇ વાલજીભાઇ ચાવડાએ ખીમજીભાઇ દેવજીભાઇ ગાંગડીયાને મિત્રતાના સંબંધે રૂ.૩,૭૫,૦૦૦/ અંકે રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર પુરા હાથ ઉછીના આપેલા. અને જે રકમ ફરીયાદી તુષારભાઇ વાલજીભાઇ ચાવડાએ આપતી વખતે ખીમજીભાઇ દેવજીભાઇ ગાંગડીયાએ એવી ખાતરી આપેલી કે આ રકમ તમો પરત માંગો ત્યારે હું આપી દઇશ. જેથી ફરીયાદી તુષારભાઇ વાલજીભાઇ ચાવડાએ જયારે રકમ પરત માંગતા આરોપીએ ફરીયાદીને લેણે રકમ રૂ.૩,૭૫,૦૦૦/ અંકે રૂપિયા ત્રણ લાખ પંચોતરે હજાર પુરાનો ચેક આપેલો અને જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતાં આરોપીએ રકમ પરત ન ચુકવતા ફરીયાદીએે રાજકોટની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલી.

આ ફરીયાદ ચાલી જતા આ કામમાં કોર્ટ દ્વારા આરોપી ખીમજીભાઇ દેવજીભાઇ ગાંગડીયાને ૧ વર્ષની સજા તથા રૂ.૨,૦૦,૦૦૦/ અંકે રૂપિયા બે લાખ ફરીયાદીને વળતર ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવેલો અને જો આ વળતરની રકમ ફરીયાદીને પરત ન ચુકવે તો વધુ  ૧ માસની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ.

ત્યારબાદ આ કામના આરોપીએ સેશન્સ કોર્ટમાં આ હકમ સામે અપીલ દાખલ કરેલી જેમાં એડવોકેટ રક્ષિત કલોલા ની મુખ્યત્વે દલીલ એવી રહી હતી કે અન્ય કોઈ પુરાવા આરોપી દ્રારા રજુ કરવામાં આવેલ નથી કે અન્ય કોઈ પણ વિશેષ વિગત અપીલના કામમાં રજુ થયેલ ન હોય તેમજ આરોપી દ્દારા પોતાના બચાવ માં કોઈ જ નવી વાત લાવી શકેલ ન હોય અપીલ ટકવાપાત્ર ન હોય રદ કરવા જણાવેલ જે દલીલોને ધ્યાને રાખી સેશન્સ કોર્ટ દ્રારા નીચેની કોટ દ્વારા જે હુકમ ફરમાવવામાં આવેલો તે યથાવત રાખવાનો હુકમ ફરમાવેલ અને ૩૦ દિવસની અંદર સેશન્સ કોર્ટ સમક્ષ સરન્ડર થવાનો હુકમ ફરમાવવામાં આવેલો હતો.

આ કામમાં ફરીયાદી તુષારભાઈ વાલજીભાઈ ચાવડા તરફથી રાજકોટના એડવોકેટ રક્ષિત વી. કલોલા, રાહુલ બી. મકવાણા, અશ્વિન ડી. પાડલીયા, રવિરાજ રાઠોડ રોકાયેલા હતા.

(3:22 pm IST)