રાજકોટ
News of Friday, 28th January 2022

સૌરાષ્‍ટ્રભરમાં ૩૦ જાન્‍યુઆરીએ ગાંધી વંદના માટે અનોખુ આયોજન

ગાંધી નિર્વાણ દિને ૧૫૦ શાળાઓમાં ગાંધી જીવન ઝાંખી

ગાંધીજનો - સામાજીક અગ્રણીઓ - યુવા તેમજ શૈક્ષણિક જગતના લોકોની ઉપસ્‍થિતિ : સામાજીક - શૈક્ષણિક - પત્રકારત્‍વ જગત દ્વારા પહેલને મળેલો અભૂતપૂર્વ આવકાર : ગાંધીજીને પ્રિય ભજનો, ફિલ્‍મ, તેમના આશ્રમો અને તેમના અવાજની ઝાંખીઃ ગાંધી વિચારને લગતા ૨૪થી વધુ પુસ્‍તકો એક જ પેનડ્રાઇવમાં સંગ્રહિત : સમગ્ર ગાંધી જીવનને લગતા ૧૦૦થી વધુ ઇ-પોસ્‍ટરો, ચિત્રો ઉપલબ્‍ધ

રાજકોટ તા. ૨૮ : દરેક શાળા-કોલેજો સરકારી સંસ્‍થાનો, અર્ધ સરકારી સંસ્‍થાનો બીજી ઓકટોબર તેમજ ૩૦મી જાન્‍યુઆરી ગાંધીજીની જન્‍મ તિથિ તેમજ મૃત્‍યુ તિથિને પોતપોતાની રીતે ઉજવે છે. ગાંધીજીની તસ્‍વીરો તો ક્‍યાંક ચિત્ર સ્‍પર્ધાઓ તેમજ ગાંધી વિચારની ઝાંખી કે જાણકારી વિદ્વાનો તેમજ તજજ્ઞો દ્વારા વ્‍યાખ્‍યાનો દ્વારા પણ તેની ઉજવણી થતી હોય છે, પણ વિદ્યાર્થીઓ, યુવાનો, આબાલવૃદ્ધ સહુમાં ગાંધીજી શું હતા અને તેમનું રાષ્‍ટ્રીય આઝાદી પૂર્વે અને પછી પણ તથા વૈશ્વિક કક્ષાએ શું યોગદાન રહ્યું ? તેનાથી બહુધા લોકો અજાણ છે અને તેમના વિશેના અપપ્રચારની ‘વ્‍હોટસેપ યુનિ.' દ્વારા હીણપતભરી જુઠ્ઠાણાથી ભરપૂર વાતોનો ધોધ વછુટયો છે.
ગાંધીના સમયમાં સરકાર તેમજ સમગ્ર દેશ અને ગાંધીજનોએ તેમની બહુ મોટી ઉજવણી કરી અને તેનો ઉભરો સમી પણ ગયો, પણ આજના સમયમાં સાચી, પ્રમાણિક ને સત્‍યશીલ માહિતીની ખૂબ જ જરૂર હોય તેમજ સચિત્ર જીવનદર્શન અને ભજનો, ગાંધીજીનો મૂળ અવાજ તેમજ મહત્‍વના પુસ્‍તકો અંગે સર્વે લોકોને જાણકારી મળી રહે તે માટે નવી દિલ્‍હી ખાતેના નેશનલ ગાંધી મ્‍યુઝીયમે (રાષ્‍ટ્રીય ગાંધી સંગ્રહાલય) અદ્‌ભૂત પેન ડ્રાઈવ તૈયાર કરી છે. નજીવી કિંમતની આ ‘પેન ડ્રાઈવ' અંગે રાજકોટની ગાંધી વિચાર પ્રણિત તેમજ અન્‍ય સંસ્‍થાઓનો સુંદર સહકારમાં એક આયોજન તાજેતરમાં થયુ. જેમાં સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિ, રાષ્‍ટ્રીય શાળા, મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, ખાનગી શાળા સંચાલક મંડળ, ‘વિશ્વ ગ્રામ' - સંસ્‍થા, ગ્રામ સ્‍વરાજ મંડળ (પારડી), વાયએમજીએ ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટ, વિકાસ વર્તુળ (ભાવનગર) વગેરે સંસ્‍થાઓનો સમાવેશ થાય છે.
રાજકોટ અને તેની આસપાસની ૧૫૦ જેટલી શાળાઓ, કોલેજો, સંસ્‍થાઓ સુધી ૩૦મી જાન્‍યુઆરી ગાંધી નિર્વાણ દિને ઓનલાઈન કાર્યક્રમ પણ યોજી શકાય તે માટે દિલ્‍હીથી આવેલી આ પેન ડ્રાઈવનું વિતરણ અને ઉપયોગ કરવામાં ઉપરોકત સહુ સંસ્‍થાઓ અને વ્‍યકિતઓનો ખૂબ જ સહકાર ફાળો રહ્યો છે અને ગાંધી વિચારને પ્રવર્તમાન સમયમાં પ્રસ્‍તુત કરવામાં તેમણે અનન્‍ય ફાળો આપ્‍યો છે.
આ ‘પેન ડ્રાઈવ'માં ગાંધીજીને પ્રિય એવા સર્વધર્મ પ્રાર્થના, વૈષ્‍ણવ જન, રઘુપતિ રાઘવની ધૂન, આશ્રમ ભજનાવલીના ભજનોનો સમાવેશ થાય છે.
તદ્‌ઉપરાંત ગાંધીજીના પાંચેય આશ્રમો ફીનીકસ, ટોલ્‍સ્‍ટોય, કોચરબ, સાબરમતી તેમજ સેવાગ્રામ (વર્ધા) વિશેની વિશેષ કથાઓ પણ મુકેલ છે.
તદ્‌ઉપરાંત ગાંધીજીનો પોતાનો સુંદર અવાજે જેમાં ચરખો (ખાદી), હિન્‍દુ-મુસ્‍લિમ એકતા અધ્‍યાત્‍મ વગેરેના સંબોધનો પણ સહુ સાંભળી શકે તે માટે સંગ્રહિત કર્યા છે. આટલું ઓછું હોય તેમ ગાંધીજી તેમના કાર્યો, રચનાત્‍મક અને સત્‍યાગ્રહનો ઇતિહાસ નવી પેઢી જાણી શકે તે માટે પેનડ્રાઇવમાં સૌથી મહત્‍વના વીસ પુસ્‍તકો (૧) સત્‍યના પ્રયોગો (ર) હિંદ સ્‍વરાજ (૩) આરોગ્‍યની ચાવી (૪) અછૂત સમસ્‍યા (પ) અસ્‍પૃશ્‍યતા (૬) બા અને બાપુ (૭) દક્ષિણ આફ્રિકાના સત્‍યાગ્રહનો ઇતિહાસ (૮) ગાંધી : એક જીવની (૯) ગાંધી કી કહાની - લુઇ ફીશર (૧૦) મહાત્‍મા ગાંધીના વિચારો (૧૧) ગીતાનો મહિના (૧૨) હમારી બા (૧૩) મહિલાઓ અને સ્‍વરાજ (૧૪) મંગલ પ્રભાત (૧૫) મેરા ધર્મ (૧૬) મેરે સ્‍વપ્‍ન કા ભારત (૧૭) મારો ઇશ્વર (૧૮) નઇ તાલીમ કી ઓર (૧૯) નીતિ ધર્મ (૨૦) રામનાથ (૨૧) સર્વોદય (૨૨) સત્‍ય હી ઇશ્વર હૈ (૨૩) ગાંધીજી અનેસ્ત્રીશકિત (૨૪) જીવન કાલક્રમ એમ ૨૪ મહત્‍વના ગ્રંથો પણ આ (ઇલેકટ્રોનીક) ઇ-સંગ્રહમાં આપવામાં આવેલ છે.
તદઉપરાંત વીસમી સદીના સંતઃ મહાત્‍મા ગાંધી નામની લઘુ ચિત્રકથા આપેલ છે. જેમાં તિલક મહારાજની અંત્‍યષ્‍ઠિ, નમક સત્‍યાગ્રહ, બાળકો સાથે, ભારત છોડો આંદોલન, ગાંધી, સુભાષ અને નહેરૂ સુધીના દૃશ્‍યો આવરી લેવાયા છે. લઘુચિત્રકથા ઉપરાંત ગાંધીજીના જીવનના મહત્‍વના ૧૦૦ જેટલા પ્રસંગોને આવરી લેતા ૧૦૦ પોસ્‍ટરોનું રંગીન પ્રદર્શન (જેની કિંમત આશરે ૧૫૦૦ થાય છે) તે પણ આ ઇ-રિસોર્સમાં મુકેલુ છે. જેથી કોમ્‍પ્‍યુટરની મદદથી વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા પણ પ્રદર્શની બતાવી શકાય.
આગામી દિવસોમાં ગાંધી વિચાર અને જીવનશૈલીને ફરી લોકહૃદયમાં સ્‍થાન મળે તે માટે તાજેતરમાં જ ૫૦ જેટલા ગાંધી - સર્વોદય તેમજ ખાદી અને સમાજજીવનના અગ્રણીઓની બેઠક સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિના દરબાર ગોપાળદાસ હોલમાં મળી ગઇ હતી અને તેમાં આગામી દિવસોમાં સૌરાષ્‍ટ્રની તમામ શાળાઓ સુધી ગાંધીજીની જીવનની તમામ બાબતોને આવરી લેતી ૫૦૦૦થી વધુ પેનડ્રાઇવ પહોંચાડવાનો, તેમજ રાજકોટના ગાંધીજીના મહત્‍વના સ્‍મારક સ્‍થાનો પર નવજીવન, ગાંધી સંગ્રહાલય તેમજ ગાંધીજી વિષયક, સર્વોદય - વિનોબાજીને લગતા મહત્‍વના પુસ્‍તકો મળતા થાય તે માટે ચારથી પાંચ વેચાણ કેન્‍દ્રો શરૂ કરવાનો તેમજ શાળા - કોલેજોમાં ગાંધીજી વિચાર વિષયક વાર્તાલાપો તેમજ વકતૃત્‍વ - ચિત્ર સ્‍પર્ધાઓ યોજવાનો તેમજ ગાંધીજીના સંશોધન માટે જેમને રસ હોય તેવા યુવા સંશોધકોને ગાંધીવિચારના અલગ અલગ સંગ્રહિત પુસ્‍તકાલયોમાં સંશોધન માટેની સુવિધા તેમજ ‘મહાત્‍મા ગાંધી વિચાર અને કાર્યક્રમ સંવર્ધન સંશોધન કેન્‍દ્રો' શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિના પીઢ અગ્રણીઓ, સૌરાષ્‍ટ્રના પત્રકારો, રચનાત્‍મક આગેવાનો, સંસ્‍થાઓ તેમજ અધ્‍યાપકો અને યુવાનો દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવા માર્ગદર્શન આપવા વધાવી લેવામાં આવ્‍યા છે.
આમ, ૩૦મી જાન્‍યુઆરીથી રાજકોટમાં જે સ્‍થળેથી મોહનદાસ ગાંધીનું એક સામાન્‍ય વિદ્યાર્થીમાંથી મહાત્‍મા બચવા તરફ પ્રયાણ શરૂ થયું તે કબા ગાંધીના ડેલામાંથી (ગાંધી સ્‍મૃતિ) એક નવી પહેલના મંડાણ થશે. સૌરાષ્‍ટ્રની જનતાને આ પ્રવૃત્તિ ઉપયોગી બનશે તેવી આશા છે.

પ્રસ્‍તુત કર્તા
ડો. અનામિક શાહ
ટ્રસ્‍ટી ગાંધી સ્‍મૃતિ
(૯૮૨૫૨ ૧૫૬૫૬)
રાજુલભાઇ દવે
કાર્યાલય મંત્રી - સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિ
(૯૪૨૬૨ ૨૯૫૧૭)


 

(3:05 pm IST)