રાજકોટ
News of Friday, 28th January 2022

લક્ષ્મીવાડીમાં મોહિત વાઘેલા પર જયદિપસિંહ ઝાલાનું ફાયરીંગઃ નીચે નમી જતા બચી ગયોઃ હવામાં બે ભડાકા

રાતે સવા અગિયારે ૪ જણા ડો. પટેલના દવાખાનાના ઓટલે બેઠા'તા ત્‍યારે ટ્રાવેલ્‍સ સંચાલકે ફોર્ચ્‍યુનરમાં આવી ગાળો દઇ અહિ કેમ બેઠા છો? કહી ચપટી વગાડી ફાયરીંગ કર્યા : રજપૂત યુવાન મોહિતના મામા અજયભાઇ રાઠોડ સાથે ટ્રાવેલ્‍સ સંચાલક જયદિપસિંહને દસ મહિના પહેલા થયેલી માથાકુટ કારણભુતઃ પોલીસે આરોપીને પકડી રિવોલ્‍વર કબ્‍જે કરી કર્ફયુ ભંગનો ગુનો પણ નોંધ્‍યોઃ ફરિયાદી મોહિત સહિત ૪ની પણ કર્ફયુ જાહેરનામા ભંગ સબબ ધરપકડ : પીઆઇ જે. ડી. ઝાલાએ આરોપીને કાયદાનું બરાબરનું ભાન કરાવ્‍યું

જ્‍યાં ફાયરીંગની ઘટના બની એ લક્ષ્મીવાડી ચોક તથા જેની ફાયરીંગના ગુનામાં ધરપકડ થઇ છે તે ટ્રાવેલ્‍સ સંચાલક જયદિપસિંહ ઝાલા નજરે પડે છે
રાજકોટ તા. ૨૮: લક્ષ્મીવાડીમાં રાતે સવા અગિયારેક વાગ્‍યે ડો. મનોજ પટેલના દવાખાનાના ઓટલા પર રજપૂત યુવાન તેના મામા અને બે મિત્રો સાથે બેઠો હતો ત્‍યારે આ વિસ્‍તારના જ ટ્રાવેલ્‍સ સંચાલક દરબાર શખ્‍સે ફોર્ચ્‍યુનગર ગાડીમાં આવી  ચપટી વગાડી ગાળો દઇ અહિ કેમ બેઠા છો? કહી રજપૂત યુવાન પર ફાયરીંગ કરતાં તે નીચે નમી જતાં બચી ગયો હતો. એ પછી એ શખ્‍સે હવામાં પણ બે ભડાકા કરતાં નાસભાગ મચી ગઇ હતી. ભક્‍તિનગર પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધી આરોપીને પકડી લઇ કાયદાનું બરાબરનું ભાન કરાવયું છે. તેની સામે તથા ફરિયાદી સહિત ચાર સામે કર્ફયુ અને જાહેરનામા ભંગનો અલગથી ગુનો નોંધ્‍યો છે. રજપૂત યુવાનના મામાને દસ મહિના પહેલા ટ્રાવેલ્‍સ સંચાલક સાથે થયેલી માથાકુટ કારણભુત હોવાનું સામે આવ્‍યું છે.
આ બનાવમાં પોલીસે લક્ષ્મીવાડી-૨૦માં મેલડીમા કૃપા ખાતે રહેતાં અને મિલપરા મેઇન રોડ પર આવેલા કિર્તન પ્રિન્‍ટ નામની દૂકાનમાં નોકરી કરતાં મોહિત દિનેશભાઇ વાઘેલા (કારડીયા રજપૂત) (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી લક્ષ્મીવાડી-૭/૧૬ના ખુણે રહેતાં જયદિપસિંહ રાજેન્‍દ્રસિંહ ઝાલા સામે આઇપીસી ૩૦૭, ૫૦૪ તથા આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫ (૧-બી) એ, ૨૭ મુજબ ફાયરીંગ કરી મારી નાંખવાની ધમકી આપ્‍યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
મોહિત વાઘેલાએ પોલીસને જણાવ્‍યું છે કે હું ગુરૂવારે ૨૭મીએ રાતે સવા અગિયારેક વાગ્‍યે મારા મિત્ર મનિષ મુકુંદભાઇ થીયાડ તથા રાજેન્‍દ્ર પ્રતાપભાઇ પરમાર, મારા મામા અજયભાઇ મગનભાઇ રાઠોડ એમ બધા લક્ષ્મીવાડી-૬ના ખુણે ડો. મનોજ પટેલના દવાખાનાના ઓટલે બેઠા હતાં. એ દરમિયાન કાળા રંગની ફોર્ચ્‍યુનર ગાડી આવી અમારી પાસે અમારી પાસે ઉભી રહી હતી. અંદર જયદિપસિંહ ઝાલા હોઇ તે લક્ષ્મીવાડીમાં જ રહેતાં હોઇ હું તેને ઓળતો હતો. તેણે અમારી સામે ચપટી વગાડી ગાળો દઇ અહિ કેમ બેઠા છો? તેમ કહેતાં અમે ઉભા થઇ ગયા હતાં.
ત્‍યાં જયદિપસિંહે પોતાની કમરે રિવોલ્‍વર બાંધી હોઇ તે કાઢી મારી સામે તાંકી એક રાઉન્‍ડ ફાયરીંગ કરતાં હું નીચે નમી ગયો હતો. એ પછી તેણે બીજા બે રાઉન્‍ડ હવામાં ફાયરીંગ કર્યા હતાં અને ફોર્ચ્‍યુનર ગાડી લઇ ત્‍યાંથી નીકળી ગયેલ. તેની ગાડીના નંબર ૧૧ હતાં. ત્‍યારબાદ અમે બધા ચોકમાં ભેગા થયા હતાં. અમે ખુબ ડરી ગયા હોઇ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં.
મોહિતે વધુમાં જણાવ્‍યું છે કે આ બનાવનું કારણ એ છે કે આજથી દસેક મહિના પહેલા મારા મામા અજયભાઇ રાઠોડ સાથે જયદિપસિંહ ઝાલાને ઝઘડો થયો હતો. એ ઝઘડાનો ખાર રાખી તેણે મારા ઉપર એક રાઉન્‍ડ ફાયરીંગ કરી મારી નાખવાનો પ્રયાસ કરી બીજા બે રાઉન્‍ડ હવામાં ફાયરીંગ કર્યા હતાં.
પોલીસે ફાયરીંગ કરનાર જયદિપસિંહ રાજેન્‍દ્રસિંહ ઝાલા (ઉ.૨૪-રહે. લક્ષ્મીવાડી-૭/૧૬, શ્રીકૃષ્‍ણ નિવાસ)ને રાતોરાત દબોચી લઇ તેની સામે આઇપીસી ૧૮૮, ૧૩૫ મુજબ કોરોના અંતર્ગત કર્ફયુ ભંગ જાહેરનામા ભંગ સબબ અલગથી ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ ઉપરાંત ફરિયાદી મોહિત દિનેશભાઇ  વાઘેલા (રહે. લક્ષ્મીવાડી-૨૦), મનીષ મુકુંદભાઇ થીયાડ (ઉ.૩૦-રહે. લક્ષ્મીવાડી કુવાવાડી ખોડિયાર પાસે બ્‍લોક નં. ૨૪, ક્‍વાર્ટર નં. ૧૯૨), રાજેન્‍દ્ર પ્રતાપભાઇ પરમાર (ઉ.૪૭-રહે. લક્ષ્મીાવડી ક્‍વાર્ટર નં. ૬૫ બ્‍લોક નં. ૯) તથા અજય મગનભાઇ રાઠોડ (ઉ.૨૬-રહે. લક્ષ્મીવાડી ક્‍વાર્ટર નં. ૫૧, બ્‍લોક નં. ૭) સામે પણ કર્ફયુ અને જાહેરનામાના ભંગ સબબ આઇપીસી ૧૮૮, ૧૩૫ મુજબ ગુન નોંધી આ ચારેયની પણ ધરપકડ કરવામાં આવી હતી. પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે આરોપીને કાયદાનું બરાબરનું ભાન કરાવ્‍યું હતું. લીમડાની કડવાણી અપાતાં હવે પછી આવુ નહિ થાય તેવું રટણ ચાલુ કર્યુ હતું.
ફાયરીંગ કરનાર જયદિપસિંહ ઝાલા ટ્રાવેલ્‍સનો ધંધો કરે છે. તેની પાસેથી પોલીસે રિવોલ્‍વર તથા ઘટના સ્‍થળેથી ફૂટેલા કાર્ટીસ કબ્‍જે કર્યા છે. રિવોલ્‍વરનો પોતાની પાસે પરવાનો હોવાનું તેણે કહ્યું હોઇ પોલીસ ખરાઇ કરી રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી  પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ એ. વી. બકુતરા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, સલિમભાઇ મકરાણી, રણજીતસિંહ પઢારીયા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, મિહીરસિંહ બારડ, વિશાલભાઇ દવે, પુષ્‍પરાજસિંહ ગોહિલ, પ્રવિણભાઇ સોનારા, તરૂણ જાની સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી.


 

(3:03 pm IST)