રાજકોટ
News of Friday, 28th January 2022

સહુ માટે શ્રેયકર શિક્ષણ પ્રણાલી એ આત્મિય યુનિવર્સિટીની વિશેષતાઃ પૂ. ત્યાગવલ્લભ સ્વામી

દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્નઃ ૧૩૨૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત

રાજકોટ, તા. ૨૭ :. પદવીદાન સમારોહ સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીના જીવનના રૂપાંતરણનો મહત્વનો આયામ છે. વ્યકિત જીવનભર કંઈકને કંઈક શીખતી રહે છે. જ્ઞાન અને કૌશલ્યમાં વૃદ્ધિ કરતા રહીને વિદ્યાર્થી જીવનનાં ઉચ્ચત્તમ લક્ષ્યને પામવા સજ્જ થતો રહે છે. ઉચ્ચ શિક્ષણના સંસ્થાનો વિદ્યાર્થીના વ્યકિતત્વને નવો ઘાટ આપે છે. આ યુવાશકિત દેશની તાસીર અને તસ્વીર છે. એવો અભિપ્રાય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મીય યુનિવર્સિટીના દ્વિતીય દીક્ષાંત સમારોહ માટે પાઠવેલા સંદેશમાં વ્યકત કર્યો હતો.

આત્મીય યુનિવર્સિટીના આ દ્વિતીય દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનયકુમાર સકસેનાએ ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપ્યુ હતું. તેમણે જ્ઞાન અને કૌશલ્યની જુગલબંધીને સફળતા માટેની પ્રથમ શરત ગણાવી હતી. વિદ્યાર્થીઓ રોજગારી પ્રાપ્ત કરવાને બદલે રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખે તે આજના સમયની જરૂરીયાત છે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આ અભિગમ જરૂરી છે.

યોગી ડિવાઈન સોસાયટીના અધ્યક્ષ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ આ પ્રસંગે પાઠવેલા વિડીયો સંદેશમાં કહ્યું હતુ કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા પ્રભુના ધારક સંતના આશિર્વાદથી ચાલતી આત્મીય યુનિવર્સિટીમાં તમને અભ્યાસ કરવાની તક મળી એટલે જીવનનિર્વાહની સાથે જીવન નિર્માણ પણ થયું. શિક્ષણની સાથોસાથ સંસ્કાર મળ્યા. અત્યારે તમને કદાચ ખ્લાય નહીં આવે, પણ જીવનમાં જ્યારે એવા સંજોગો ઉભા થશે ત્યારે આ સંસ્કારો તમારી રક્ષા કરશે તે ચોક્કસ છે.

આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે, વ્યકિતથી સમષ્ટિ સુધી સહુ માટે શ્રેયસ્કર હોય તેવી શિક્ષણ પ્રણાલી આત્મીયની વિશેષતા છે. વિદ્યાર્થીને સ્થાયી વિકાસને અનુરૂપ જીવનશૈલી માટે સજ્જ કરે તેમજ વિકટ પરિસ્થિતિમાં સમતા રાખવાની ક્ષમતા પ્રાપ્ત કરે તેવુ શિક્ષણ વર્તમાન સમયની જરૂરીયાત છે. એટલે જ આત્મીય પરિવારની સંસ્થાઓમાં માનવીય જીવન મૂલ્યોના શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ દીક્ષાંત સમારોહમાં કુલ ૧૩૨૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૯૬૦ને સ્નાતક, ૩૧૦ને અનુસ્નાતક અને ૫૮ને ડિપ્લોમાં એનાયત થયેલ. જુદી જુદી વિદ્યાશાખાના કુલ બાવીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહમાં પ્રારંભે કુલપતિ ડો. શિવકુમાર ત્રિપાઠીએ વર્ષ દરમિયાનની ગતિવિધિઓ અને ભવિષ્યના આયોજનોની રૂપરેખા આપવાની સાથે સ્વાગત ઉદ્બોધન કર્યુ હતું. આભારદર્શન કુલ સચિવ ડો. દિવ્યાંગ વ્યાસે કર્યુ હતું.

આ પ્રસંગે પ્રો. સમીર વૈદ્ય, વિવિધ ફેકલ્ટીઝના ડીન, નિમંત્રિત મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે મર્યાદિત સંખ્યામાં જ નિમંત્રણ આપવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનની સફળતા માટે આત્મીય યુનિ.ના પ્રો-ચાન્સેલર ડો. શીલારામચંદ્રના માર્ગદર્શનમાં વાઈસ ચાન્સેલર ડો. શિવકુમાર ત્રિપાઠી, રજીસ્ટ્રાર પ્રો. ડી.ડી. વ્યાસ, ડે. રજીસ્ટ્રાર ડો. આશિષ કોઠારી, નાયબ પરીક્ષા નિયામક ડો. હિતેન્દ્ર દોંગા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(2:46 pm IST)