રાજકોટ
News of Friday, 28th January 2022

ભાવનગર રોડ અને ભવાનીનગરમાં વરલી ફીચરનો જુગાર રમતા પાંચ પકડાયા

થોરાળા અને એ-ડીવીઝન પોલીસનો દરોડો : ૧૧ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૨૮ : ભાવનગર રોડ પર પેટ્રોલ પંપ પાસે થોરાળા પોલીસે અને રામનાથપરા ભવાનીનગરમાં એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર આવેલા જય પેટ્રોલ પંપ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના બી.એમ.કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી તથા વિજયભાઇ મેતા સહિતે પેટ્રોલ પંપ પાસે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા આજીડેમ ચોકડી પાસે ભારતનગર શેરી નં. ૩ના શબ્બીર અલીમહંમદભાઇ ઠેબા, ઢેબર કોલોની ગાયત્રીનગરના અબ્બાસ હાજીભાઇ સંઘવાણી, રેલનગર ખુદીરામ ટાઉનશીપ સાતમાળીયા કવાર્ટર બ્લોક નં. સી-૪૧ના ભાવેશ બકુલચંદ્રભાઇ બખાઇ અને આજીડેમ ચોકડી પાસે દેવકીનંદન સોસાયટી શેરી નં. ૫ના રવજી કાન્તીભાઇ બેરડીયાને પકડી લઇ રૂ. ૧૦,૭૧૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.આઇ. બી.વી.ગોહિલ તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભવાનીનગર કૈલાશ ચોક પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા નીલેષ બહાદુરસિંહ રાઠોડ (રહે. રામનાથપરા શેરી નં. ૨૧)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:43 pm IST)