રાજકોટ
News of Friday, 28th January 2022

માલવીયા ચોકમાં સીટી બસ આડે ઉતરેલા બાઇક ચાલકને બસ ચાલકે ગાળો દઇ ફડાકાવાળી કરી

લોકોના ટોળા ભેગા થયાઃ એ-ડિવીઝન પોલીસે ડ્રાઇવર વિજયને સકંજામાં લઇ કાયદો સમજાવ્યો

રાજકોટઃ શહેરમાં સીટી બસના ચાલકો અને બીજા વાહન ચાલકો વચ્ચે અવાર-નવાર ચકમક ઝરતી રહે છે. ઘણીવાર બસના ચાલકો મારામારી પર પણ ઉતરી આવે છે. આજે ફરી એક વખત આવી ઘટના બની હતી. માલવીયા ચોકમાં સીટી બસ પસાર થઇ રહી હતી ત્યારે આધેડ વયના બાઇક ચાલક બસ આડેથી નીકળતાં બસ ચાલકે પિત્તો ગુમાવ્યો હતો અને બાઇક ચાલકને ગાળો ભાંડી હતી. બાઇક ચાલકે ઉભા રહી ગાળો દેવાની ના પાડતાં ચાલક બસમાંથી ઉતરીને નીચે આવ્યો હતો અને બાઇક ચાલકને વધુ ગાળો દઇ બેફામ ફડાકા માર્યા હતાં. ઘટના જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પરંતુ કોઇને આધેડથી મારથી બચાવ્યા નહોતાં. સોશિયલ મિડીયામાં ડ્રાઇવરે મારામારી કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. તસ્વીરોમાં મારામારીના દ્રશ્યો જોઇ શકાય છે. મામલો પોલીસ સુધી પહોંચતા એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ ડી. બી. ખેર, જે. એમ. ભટ્ટ, એએઅસાઇ ભરતસિંહ વી. ગોહિલ, હેડકોન્સ. વી. ડી. ઝાલા, કોન્સ. સુરેશભાઇ મહેતા, હરવિજયસિંહ સહિતે સીટી બસ ચાલક વિજય મનસુખભાઇ કાપડી (ઉ.૩૦-રહે ગોવર્ધન ચોક, ૧૫૦ રીંગ રોડ)ને લીમડા ચોક તરફ તે બસ લઇને ગયાની માહિતી મળતાં ત્યાંથી પુછતાછ માટે સકંજામાં લીધો હતો. સુલેહ શાંતિ ભંગ સબબ તેની સામે કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવાયું હતું. માર ખાનાર વ્યકિત પોલીસ સુધી પહોંચ્યા નહોતાં.

(7:42 pm IST)