રાજકોટ
News of Friday, 28th January 2022

૧૬ વર્ષની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનું અપહરણ કરી બળાત્કારઃ રૈયાના વૈભવ સામે ગુનો નોંધાયો

સગીરા તેના માસી સાથે રહે છેઃ વૈભવના મિત્રના ઘરે તેણીની મરજીથી સંબંધ બંધાયાનું પોલીસને જણાવ્યું

રાજકોટ તા. ૨૮: રૈયા ગામના શખ્સે  ૧૬ વર્ષની એક બાળા સાથે ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડશીપ કરી હોઇ બાળાના માસી તેણીના મોબાઇલ ફોનમાં આ શખ્સનો વિડીયો જોઇ જતાં તેણીને આ મામલે ઠપકો આપતાં ૨૬મીએ તેણી ઘરેથી નીકળી ગઇ હતી. માસીએ તપાસ કરતાં તેણી રૈયાના શખ્સના ઘરેથી મળી આવી હતી અને પરત ઘરે આવવાની ના પાડી દીધી હતી. એ પછી પોલીસની મદદ લેવામાં આવતાં તપાસ થતાં સગીરા સાથે રૈયાના શખ્સે શરીર સંબંધ બાંધી લીધો હોઇ તેની સામે અપહરણ બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૧૬ વર્ષ ૮ માસની સગીરાના માસીની ફરિયાદ પરથી રૈયા ગામમાં પરમાર  નિવાસ પાસે રહેતાં વૈભવ પરમાર વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૭૬ મુજબ અપહરણ બળાત્કારનો ગુનો નોંધી સકંજામાં લીધો છે.

પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે મારા બહેન દસેક વર્ષ પહેલા ગુજરી ગયા છે. તેની બે દિકરી પૈકીની મોટી દિકરી મારી સાથે રહે છે. જેની ઉમર ૧૬ વર્ષ ૮ માસ છે. નાની દિકરી પાટણ પંથકમાં તેના પિતા સાથે રહે છે. તા. ૨૬/૧ના બપોરે બારેક વાગ્યે હું તથા મારી બહેનની દિકરી મારી ભાણેજ ઘરે હતાં. આ વખતે ભાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક છોકરાનો વિડીયો મુકયો હોઇ એ હું જોઇ જતાં તેને આ બાબતે પુછતાં તેણે કહેલું કે ત્રણેક મહિનાથી મારા ઇન્સ્ટાગ્રામ આઇડી પર વી-પરમાર નામના આઇડીવાળા રૈયા ગામના વૈભવ પરમાર સાથે મારે ફ્રેન્ડશીપ થઇ છે.

હું અને વૈભવ અવાર નવાર મોબાઇલ ફોનમાં વાત કરીએ છીએ. આથી હું તેણીને ખીજાઇ હતી. તેની સાથે ઝઘડો કરી તેનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. અઢધા કલાક બાદ તેણી ઘરે કંઇ કહ્યા વગર જતી રહતી. તપાસ કરતાં તે મળી નહોતી. એ પછી મારી રીતે તેની શોધખોળ કરતાં તેણે રૈયાના વૈભવ નામના છોકરા સાથે પોતાને પ્રેમ સંબંધ હોવાનું કહ્યું હોઇ જેથી હું વૈભવના ઘરે જતાં મારી ભાણેજ ત્યાં મળી આવી હતી. તેણે મને સાથે આવવાની ના પાડી હતી. એ પછી મારી ભાણેજને લઇ વૈભવ બાઇકમાં ત્યાંથી નીકળી ગયો હતો.

એ પછી ગઇકાલે ૨૭મીએ સવારે હું ફરીથી વૈભવન ઘરે ગઇ હતી. ત્યારે પણ મારી ભાણેજે સાથે આવવાની ના પાડી દેતાં અંતે હું પોલીસ સ્ટેશને પહોંચી હતી. બાદમાં પોલીસે મારી ભાણેજને પુછતાં તેણીએ કહ્યું હતું કે મને વૈભવ રૈયા ગામે તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેનો મિત્ર અને મિત્રની પત્નિ બીજા રૂમમાં સુઇ ગયા હતાં. એક રૂમમાં હું અને વૈભવ સાથે સુતા હતાં ત્યારે મારી મરજીથી એકવાર શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી હું અને વૈભવ જામનગર રોડ માધાપર ચોકડી થઇ ચોટીલા હઇવે પર જતાં રહ્યા હતાં. આટાફેરા બાદ આજે ૨૪મીએ પરત આવી ગયા છીએ. સગીરા સાથે વૈભવે શરીર સંબંધ બાંધી લીધો હોઇ તેની સામે પીઆઇ એ. એસ. ચાવડા, ગિરીરાજસિંહ, લક્ષમણભાઇ સહિતે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

(12:43 pm IST)