રાજકોટ
News of Friday, 28th January 2022

રામલલ્લાની લલાટની મધ્યમાં સૂર્ય કિરણ ચમકશે

અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં ઇજનેરી કૌશલ્ય કમાલ કરશે : બપોરે ૧૨ વાગ્યે સૂર્ય કિરણ મંદિરના ગર્ભગૃહમાં પહોંચશે : મંદિરનું આયુષ્ય ૧૦૦૦ વર્ષ રહેશે : અમદાવાદના આર્કિટેક ચંદ્રકાન્ત સોમપુરાની સેવા : નાગરશૈલીમાં ત્રણ માળનું મંદિર નિર્માણ થશે : કુલ ૩૬૬ સ્તંભ હશે : દરરોજ ૧૨ કલાક કામ થાય છે

પાંચ સદીના અવિરત સંઘર્ષ અને ઇન્તજાર પછી એ શુભ ઘડી આવી તા.૦૫-૦૮-૨૦૨૦ ના રોજ, જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનો શિલાન્યાસ કર્યો.  સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અયોધ્યામાં  શ્રીરામ મંદિરનું  નિર્માણ કરવા માટે કેન્દ્ર સરકારે 'શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' નામના ટ્રસ્ટની રચના કરીને મંદિર બનાવવાની જવાબદારી તે ટ્રસ્ટને સોંપી દીધી.

શ્રી રામ મંદિરની ડીઝાઈન અમદાવાદના મંદિર નિર્માણના સુવિખ્યાત નિષ્ણાંત આર્કિટેક ચંદ્રકાંતભાઈ  સોમપૂરાએ તૈયાર કરી છે. તેમના સુપુત્રો  નિખિલ અને આશિષ તેમની મદદમાં રહ્યા. આ ડીઝાઈન મુજબ આ મંદિરની પહોળાઈ ૨૩૫ ફૂટ, લંબાઈ ૩૬૦ ફૂટ અને ઉંચાઈ ૧૬૧ ફૂટ રહેશે. કુલ ત્રણ માળનું  આ મંદીર નાગર શૈલીમાં બનશે જેમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર ૧૬૦ સ્તંભ, પહેલા માળે ૧૩૨ સ્તંભ અને બીજા માળે ૭૪ સ્તંભ હશે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ મંદિર બનાવવાનું કામ ભારતની બાંધકામ ક્ષેત્રની વિશ્વ વિખ્યાત  કંપની એલ. એન્ડ ટી., ટાટા કનસલ્ટન્ટ એન્જિનિયરસ અને જયપુરની બાલાજી કન્સ્ટ્રકટર્સ કંપનીને સોંપ્યું છે. એલ. એન્ડ ટી. એ તેના વિદેશોમાં  ખુબજ ઉચ્ચ તકનિકી બાંધકામના પ્રોજેકટ સંભાળતા એવા બાહોશ ઇજનેર શ્રી વિનોદકુમાર મહેતાને  આ મંદિર નિર્માણના પ્રોજેકટ ડાયરેકટર તરીકે નીમ્યા છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના ચેરમેન શ્રી નૃપેન્દ્ર મિશ્રા અને મહાસચિવ શ્રી ચંપતરાય આ મંદિર નિર્માણના કામ ઉપર સતત દેખરેખ રાખી રહ્યા છે.

શ્રી રામજન્મભૂમી બાબરી મસ્જીદ કેસમાં સુપ્રીમ કોર્ટના તા.૦૯-૧૧-૨૦૧૯ ના ચુકાદાથી શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટને પ્રાચીન રામ મંદિરની મૂળ ૨.૭૭ એકર જમીન મળી. આ જમીનની આસપાસની ૬૭ એકર જમીન જે કેન્દ્ર સરકારે ૧૯૯૩ માં હસ્તગત કરેલી તે જમીન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની મંજૂરી લઈને આ ટ્રસ્ટને સોંપી દીધી. આમ શ્રી રામમંદિર ટ્રસ્ટ પાસે ૭૦ એકર જમીન થઈ. ત્યારપછી આ ટ્રસ્ટે આ ૭૦ એકર જમીનને લાગીને આવેલ અન્ય ૩૭ એકર જમીન ખરીદી લીધી, એટલે અત્યારે આ ટ્રસ્ટની માલિકીની કુલ ૧૦૭ એકર જમીન છે. શ્રી રામજન્મભૂમિની મૂળ ૨.૭૭ એકર જમીન સહિત કુલ ૧૦ એકર જમીનમાં મંદિર અને અન્ય સંલગ્ન બાંધકામ થશે. આ ૧૦ એકર જમીન સહિતની કુલ ૫૦ એકર જમીનમાં ડેવલપમેન્ટની જવાબદારી  આ ટ્રસ્ટની છે. બાકીની ૫૭ એકર જમીનમાં ડેવલપમેન્ટ કરવાનું કામ ઉત્ત્।રપ્રદેશ રાજય સરકાર કરશે.

આપણે ઉપર જોયું તે પ્રમાણે પચાસ ફૂટ ઊંડા પાયામાં જે ૪૪.૫ લાખ ઘનફૂટ એન્જિનિયર્ડ સોઈલ ભરવામાં આવી તેમાં ૨૦% સિમેન્ટ વાપરવામાં આવી છે પરંતુ મંદિરના બાંધકામમાં કયાંય સિમેન્ટ કે લોખંડનો  ઉપયોગ થવાનો નથી. લોખંડ અને સિમેન્ટ કોંક્રિટથી કરવામાં આવેલ બાંધકામનું આયુષ્ય સો થી દોઢસો વર્ષનું જ હોય છે, જયારે આ મંદિર એવી ટેકિનકથી બાંધવામાં આવે છે કે તેનું આયુષ્ય એક હજાર વર્ષનું હશે.  આ મંદિર ઉપર ભૂકંપની પણ કોઈ અસર થશે નહિ. આ કોઈ સામાન્ય બાબત નથી. આઇ.આઇ.ટી. ચેન્નાઇની સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ,  ઇન્ડિયન બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂડકી, એલ એન્ડ ટી અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયરસના નિષ્ણાંત એન્જિનિયરો  આ પ્રોજેકટમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. એક અદ્બુત આયોજન એ થવાનું છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બપોરનાં બાર વાગે સૂર્યનું કિરણ ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવામાં આવનાર શ્રી રામ લલ્લાની મૂર્તિના લલાટ ઉપર ભ્રુકુટીની મધ્યમાં પડે તે માટેના પ્રોજેકટ ઉપર સી. એસ. આર.આઈ.ના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.  મંદિરનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. દરરોજ બે શિફટમાં એટલેકે  રોજ ૧૨ કલાક કામ થાય છે. ડિસેમ્બર ૨૦૨૩ માં આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.  ત્યારબાદ પણ ૨૦૨૫ સુધી આ પ્રોજેકટનું કામ ચાલુ રહેશે. મંદિર ઉપરાંત યાત્રાળુઓ માટેનું ફેલીસિટેસન સેન્ટર, મ્યુઝીયમ, આર્કાઇવઝ , સભાગૃહ, ગૌશાળા, વિધિ -વિધાન માટેની જગ્યા, વહીવટી બિલ્ડિંગ, પુજારીઓને રહેવા માટેના મકાન, વગેરેનું બાંધકામ પણ થવાનું છે. આ સમગ્ર સંકુલના બાંધકામમાં લગભગ રૂ.૧૦૦૦ કરોડ નો ખર્ચ થશે.

આ મંદિર સમગ્ર ભારતની આસ્થાનું કેન્દ્ર બની જશે. આજે પણ દરરોજ વીસ થી પચ્ચીસ હજાર યાત્રાળુઓ અયોધ્યા આવે છે. રામનવમીના દિવસે તો પાંચ થી સાત લાખ લોકો શ્રી રામ લલ્લાનાં દર્શન કરવા આવે છે. મંદિરના બાંધકામ સાથે અયોધ્યા નગરીનો પણ બહુ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. સમગ્ર અયોધ્યામાં કોઈપણ જગ્યાએથી દર્શનાર્થી શ્રી રામ લલ્લાના દર્શન કરી શકે એ માટે આખા શહેરમાં ૧૦૦ થી ૧૫૦ મોટા સ્ક્રીન મૂકવામાં આવશે. સરયૂ નદીને પાર કેટલીક અદ્યતન હોટેલો પણ શરૂ થઈ છે. ૨૦૨૪ સુધીમાં અયોધ્યા ભારતની એક ગૌરવશાળી ધર્મનગરી બની જશે. જય શ્રી રામ !

'શ્રી રામજન્મભૂમિ મંદિર એ રાષ્ટ્રની પ્રતિષ્ઠાનું મંદિર છે.' – શ્રી ચંપતરાઈ, મહાસચિવ, શ્રી  રામ મંદિર  ટ્રસ્ટ     

'અયોધ્યા સમગ્ર વિશ્વની સૌથી મોટી ધર્મનગરી બની જશે'  — શ્રી વિમલેન્દ્ર મોહનપ્રતાપ મિશ્રા, અયોધ્યાના રાજપરિવારના સભ્ય. તેઓ  શ્રી રામ મંદિર બાંધકામ સમિતિના સભ્ય પણ છે.

શ્રી રામ જન્મભૂમિ મંદિર એ સત્યનાં અસત્ય ઉપરના વિજયનું,  હિન્દુઓના સદીઓના સંઘર્ષ, સહનશીલતા અને ધૈર્યનું, ભારતની અદભુત પ્રાચીન શિલ્પ અને સ્થાપત્ય કલાનું તેમજ આધુનિક ભારતના અપ્રતિમ એન્જીનીયરીંગ કૌશલ અને સામર્થ્યનું પ્રતીક બની રહેશે એ નિર્વિવાદ છે.

નકસીકામ થયેલો ૧ લાખ ઘનફૂટથી વધારે પથ્થર વપરાશે

રાજસ્થાની ગુલાબી પથ્થર પર નકશી કામ

કલાત્મકતાનો રંગ નીખરશે : મુખ્ય મંદિરનું બાંધકામ ૨૦૨૩થી શરૂ થશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જયાં આ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે એ જગ્યા ભગવાન શ્રી રામ નું જન્મ સ્થાન છે, ત્યાં મંદિરનું ગર્ભગૃહ બનશે. મંદિરનું ફાઉન્ડેશન બનાવવા માટે ૪૦૦ ફૂટ  થ ૩૦૦ ફૂટ ચોરસનો પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમાંની તમામ માટી બહાર કાઢીને દૂર કરવામાં આવી. ત્યારબાદ આ ૪૦૦*૩૦૦*૫૦ ફૂટના ખાડામાં ફાઉન્ડેશન  ભરવા માટે ૨૦% સિમેન્ટ+ ફલાઈ એશ + કેમિકલ્સ + ખાસ પ્રકારની માટી એ ચાર વસ્તુના મિશ્રણ થી બનાવવામાં આવેલ એન્જિનિયર્ડ સોઇલનો એક ફૂટનો થર લગાવ્યા પછી તેના ઉપર  હેવી રોલર  ફેરવીને તે થર દસ ઇંચનો રહે ત્યાર પછી એક ફૂટનો બીજો થર ભરવામાં આવે, ફરીથી તેના ઉપર હેવી રોલર ફેરવવામાં આવે અને તે થર પણ દસ ઇંચનો થાય ત્યાર પછી ત્રીજો થર ભરવામાં આવે. આ રીતે એક ઉપર એક એમ ૪૭  થર ભરવામાં આવ્યા પછી ગ્રાઉન્ડ લેવલ થી આ ફાઉન્ડેશન લગભગ દોઢ મીટર નીચું રહ્યા પછી રાફટ ભરવાનું કામ શરૂ થયું છે. લગભગ ત્રણ લાખ ઘન ફૂટ કોંક્રિટ આ રાફટ ભરવામાં વપરાશે. મજબૂત પત્થરના બ્લોકસથી ભરીને તેને ગ્રાઉન્ડ લેવલ સુધી લાવવામાં આવેલ છે. આ રાફટ ઉપર પાંચ મીટર ઊંચાઈની  પ્લીંથ  બનાવવામાં આવશે. આ પ્લિંથ મિરઝાપુરના ૨*૨*૪ ફૂટ એટલેકે ૧૬ ઘન ફૂટનો એક એવા ૩૦,૦૦૦ મજબૂત સેન્ડસ્ટોન પત્થરથી બનાવવામાં આવશે.  આ પ્લિંથને વોટરપ્રૂફ બનાવવા માટે તેની બહારની બાજુ કર્ણાટકથી લાવવામાં આવેલ ગ્રેનાઈટના ત્રણ થર લગાવવામાં આવશે. આટલું કામ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે. જાન્યુઆરી ૨૦૨૩ થી તેના ઉપર મંદિરનું બાંધકામ શરૂ થશે.  મંદિરનું બાંધકામ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આવેલા બંસીપહાડપુરના ગુલાબી પત્થરો ઉપર બારીક નકશીકામ કરીને તે પત્થરોથી કરવામાં આવશે. આ નકશીકામ કરવાનું અંહી વર્ષોથી ચાલુ છે. આ મંદિરના બાંધકામમાં આવા એક લાખ ઘનફૂટથી વધારે રાજસ્થાનના નકશીકામ કરેલા ગુલાબી પત્થર વપરાશે. (૨૧.૩)

આર. બી. ગણાત્રા

નિવૃત્ત અધિકારી, સ્ટેટ બેંક અને રાજકોટ નાગરિક

સહકારી બેંક.  મો.નં. ૯૪૨૮૨ ૦૨૦૩૯

(10:07 am IST)