રાજકોટ
News of Friday, 28th January 2022

સ્ટેન્ડીંગમાં ૨૯ કરોડના વિકાસકામોને લીલીઝંડી

વોર્ડ નં. ૯ના મુંજકા - પ્રશિલ પાર્ક - સંજય વાટીકામાં ૫ કરોડના ખર્ચે ઘરે ઘરે નળ

ડી.આઇ. પાઇપલાઇન નખાશે : ૧૦ હજાર વિસ્તારવાસીઓનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે : આરોગ્ય કેન્દ્રમાં ૨૩૭ કર્મચારીઓના સેટઅપ સહિતની ૩૮ દરખાસ્તો મંજુર

આજે બપોરે મળેલ મનપાની સ્ટેન્ડીંગ કમિટિ મીટીંગમાં ૩૮ દરખાસ્તો પર નિર્ણયો કરવામાં આવ્યા હતા. તે વખતની તસ્વીરમાં ચેરમેન પુષ્કર પટેલ, જયમીન ઠાકર, નીતિન રામાણી, મનીષ રાડીયા, નયનાબેન પેઢડીયા, દુર્ગાબા જાડેજા, ભારતીબેન પાડલીયા, ભારતીબેન પરસાણા સહિતના સભ્યો તથા ડે.કમિશનર એ.આર.સિંઘ, સેક્રેટરી હરીશ રૂપારેલીયા, પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. જ્યારે બીજી નીચેની તસ્વીરમાં અલ્પનાબેન મીત્રા, એચ.યુ.ડોઢીયા, શ્રી કામલીયા, અમિત સવજીયાણી, હર્ષદ પટેલ, શ્રી ખેર સહિતના અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૬ : મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટિની આજની મીટીંગમાં તમામ ૩૮ દરખાસ્તો સાથે રૂ. ૨૯.૧૦ કરોડના વિકાસકામોને મંજુરી આપી છે. નવા ભળેલા મુંજકા, ઘંટેશ્વરના નાગેશ્વર, સંજય વાટીકા તથા પ્રશીલ પાર્ક, રૈયાધારના ઇન્દ્રપ્રસ્થ વગેરે વિસ્તારોમાં કુલ રૂ. ૭.૬૫ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન કામો બહાલ કરાયા છે.

મનપાની સ્ટેન્ડીંગ બેઠક આજે બપોરે ૧૨ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમિટિ કોન્ફરન્સ રૂમમાં સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ. મીટીંગ શહેરના વિકાસકામોની ૩૮ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા. જેની વિગતો આ મુજબ છે.

રૂ. ૭.૬૫ કરોડના ખર્ચે ડી.આઇ. લાઇન

નવા ભળેલા અને વોર્ડ નં. ૯માં સામેલ મુંજકા, સંજય વાટીકા, પ્રશીલ પાર્કમાં ૧૦૦થી ૩૦૦ મી.ની ડાયાની ડી.આઇ. પાઇપલાઇન નાખવા માટે રૂ. ૪.૯૨ કરોડ મંજૂર કરાયા છે. આ વિસ્તારમાં ૭ હજાર લોકોને તેનો લાભ મળશે. આ ઉપરાંત વોર્ડ નં. ૧ના જામનગર રોડ, ઘંટેશ્વરના નાગેશ્વર વિસ્તારમાં ૧૦૦ મી. ૪૫૦ મી.મી. ડાયાની ડી.આઇ. પાઇપલાઇન રૂ. ૧.૪૬ કરોડના ખર્ચે તથા રૈયાધાર વિસ્તારમાં રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે ૧૦૦થી ૪૦૦ મી.ની ડાયાની ડી.આઇ. પાઇપલાઇન બીછાવાશે. આ લાઇન નાંખવાથી ૪ હજાર વિસ્તારવાસીઓને તેનો લાભ મળશે. ભવિષ્યમાં આ વિસ્તારના વધુ લોકોને ડી.આઇ. લાઇનનું નેટવર્ક મળશે. ૯ થી ૧૦ મહિના બાદ હાલ બોર ટેન્કર, સ્ટોરેજ ટેન્કના બદલે કોર્પો.ની લાઇનમાંથી આ વિસ્તારમાં પાણીની વિતરણ શરૂ થઇ જશે.

આરોગ્ય કેન્દ્રમાં ૨૩૯ કર્મચારીઓનું સેટઅપ મંજુર

મનપાની આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા માટે સરકાર દ્વારા અર્બન હેલ્થ અંતર્ગત નવી બાબત તરીકે મંજુરી થયેલ શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રમાં ૧૪ મેડીકલ ઓફિસર, ૭ લેબ ટેકનીશયન, ૯ ફાર્માસીસ્ટ, ફીમેલ - મેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ વર્કર્સ સહિતના ૨૩૯ કર્મચારીઓની જગ્યાઓનું સરકારની ગ્રાન્ટ આધારિત મહેકમ મંજુર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગમાં ૭ કરોડના ૧૦૦ નવા ટીપર વાન, ૧.૩૧ કરોડના ૧ હજાર વ્હીલબરો ખરીદવા, પ્રથમ વખત બાંધકામ વેસ્ટની પ્રોસેસ માટે પીપીપી પ્લાન્ટ સ્થાપવા તથા હોટલ, સિનેમા, જીમ, રેસ્ટોરન્ટ સહિતની મિલ્કતોનો રૂ. ૩ કરોડનો વેરો માફ કરવા તથા વિવિધ વિસ્તારોમાં ૬.૧૭ કરોડના ખર્ચે રસ્તા કામ, ૫૪.૫૦ લાખના ખર્ચે ડ્રેનેજ કામ સહિતની ૩૮ દરખાસ્તો અંગે નિર્ણય કરાયો હતો.

(3:12 pm IST)