રાજકોટ
News of Thursday, 28th January 2021

ચોરાઉ રિક્ષા સાથે સૂરજ ઉર્ફે કાળીનો એક્કોને પકડી લેતી રાજકોટ ગાંધીગ્રામ-૨ (યુનીવર્સીટી) પોલીસ: અમદાવાદથી ચોરી હતી 2 માસ પહેલા

રાજકોટ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. હરપાલસિંહ જે. જાડેજાને ખાનગી રાહે મળેલી બાતમી પરથી રામાપીર ચોકડી દેવજીવન હોટલ પાસે લીલા રંગની સી.એન.જી. રીક્ષા ૪૭૧૭ સાથે એક શખ્સને પકડી લઈ વિસ્તૃત પૂછતાછ કરતા રીક્ષા પોતાની હોવાનું અને પોતાનું નામ સુરજ ઉર્ફે કાળીનો એકકો પ્રકાશભાઇ દશનામી - બાવાજી ઉ.વ.૨૦ ધંધો કલરકામ રહે, વડનગર ડેમ પાસે દાળ મીલ રોડ વઢવાણ સુરેન્દ્રનગર જણાવ્યું હતું.

રીક્ષા ચોરીની હોવાની બાતમી હોઇ પોકેટકોપ દ્રારા સર્ચ કરતા આ શખ્સ ચોરીના ગુન્હામાં પકડાયેલ હોઇ જેથી સી.એન.જી. રીક્ષા નંબર પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા મારૂજી વિજયકુમાર ચીમનલાલ રહે મારાજીવાસ ફતેવાડી-૨ તા.દસ્ક્રોઇ જી.અમદાવાદની માલિકી હોવાનું ખુલ્યું હતું. વધુ પૂછતાછ થતા તેણે બે મહિના પહેલા અમદાવાદ ચાંગોદર તાસપુર પાટીયા પાસેથી ચોરી કરેલ હોવાનું કબુલ્યું હતું. 50 હજારની રીક્ષા નંબર જી.જે. ૦૧ ટી.ઇ. ૪૭૧૭  કબજે કરી અમદાવાદ પોલીસને જાણ કરાઈ છે. 

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, પો.હેડ.કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, મહેન્દ્રસિંહ કે.ડોડીયા, યુવરાજસિંહ આર.ઝાલા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ગોહીલ સહિતે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા  (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ પી.કે.દિયોરાની સૂચના મુજબના પેટ્રોલિંગ વખતે થઈ હતી.

(10:24 pm IST)