રાજકોટ
News of Thursday, 28th January 2021

છરીની અણીએ બળાત્કાર ગુજારવાના ગુનામાં પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા.૨૮: પુર્વ દુષ્મનાવટને કારણે તેમજ ફરીયાદપક્ષ ઉપર કરેલ ફરીયાદના કારણે વળતાં પ્રહાર સ્વરૂપે ફરીયાદ નોંધાવી તેમાં છરીની અણી વડે બે વખત અલગ અલગ સ્થળે સંમતિ વગર બળજબરીપુર્વક પરાણે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારવાના આરોપ અન્વયે નોંધાયેલ ફરીયાદના કામે સાયપર ગામના દિનેશ ગોબરભાઇ કયાડાને હાઇકોર્ટે જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો રાજકોટ તાલુકા જીલ્લાના સાયપર ગામે દિનેશ ગોબરભાઇ કયાડાની વાડીએ જતો રસ્તો  ફરીયાદપક્ષે સરપંચના પતિ સાથે મળી દબાવી દેતા તે ખુલ્લો કરવા આરોપી પક્ષે રજુઆત કરતા તેનો ખાર રાખી ફરીયાદ પક્ષે આરોપી પક્ષ ઉપર હથીયારો વડે જીવલેણ ખુની હુમલો કરતા આરોપીપક્ષે આ કેસના ફરીયાદપક્ષ વીરૂધ્ધ ગુન્હો નોંધાવતા તેનો ખાર રાખી વળતા પ્રહાર સ્વરૂપે તે જ ગામના વીરમ પોપટ ટોળીયાના પત્નિએ તેણીના જ ઘરે તેણી ઉપર બે જુદા જુદા સમયે છરીની અણીએ સમંતિ વગર બળજબરીપુર્વક પરાણે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલ હોવા સંબંધે આરોપી દિનેશ ગોબરભાઇ કયાડા વિરૂધ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ગુન્હાના કામે આરોપી દિનેશ ગોબરભાઇ કયાડાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

અરજદાર એડવોકેટ તથા મુળ ફરીયાદીના એડવોકેટ અને સરકારપક્ષે એ.પી.પી.ને સાંભળેલ અને રેકર્ડ પરનું સાહીત્ય લક્ષે લેતા ભોગ બનનાર ૩૦ વર્ષના પરણીત મહીલા હોય, સાયપર ગામના રહીશ હોય તેણીએ ૨૪-૫-૨૦૨૦ના નોંધાવેલ એફ.આઇ.આર.માં તેણી ઉપર બે વખત રેપ થયાનું જણાવેલ હોય જેમા પહેલો બનાવ અઢી માસ પહેલા બનેલ હોય અને બીજો બનાવ તા.૧૫-૫-૨૦૨૦ના બનેલનું જણાવેલ હોય અને બંને સમયે આરોપી છરી લઇને આવેલ હોવાનું જણાવેલ હોય તેથી તેણી અવાજ કરી શકેલ નહી જે સંજોગો, હકીકતો અને આક્ષેપનો પ્રકાર ધ્યાને લેતા અદાલતે અરજદારની તરફેણમાં અંતરગર્ત સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદારને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં આરોપી દિનેશ કયાડા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રવી ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા હાઇકોર્ટમાં પ્રતિક જસાણી રોકાયેલ હતા.

(3:07 pm IST)