રાજકોટ
News of Thursday, 28th January 2021

પોલીસ પ્રજાનો મિત્ર...સુત્ર સાર્થક થયું

ભુલી પડેલી બે વર્ષની બાળકીનું માતા સાથે મિલન કરાવતી ભકિતનગર પોલીસ

રમતી-રમતી ભુલી પડેલી બાળા બાબરીયા કોલોનીમાંથી મળી આવી'તી

રાજકોટઃ શહેર પોલીસ અવાર-નવાર ભુલે પડેલા ટાબરીયાઓને કે પછી અશકત વૃધ્ધોને ભારે જહેમત ઉઠાવી ખુબ દોડધામ કરી તેમના ઘર સુધી, વાલીવારસ સુધી પહોંચાડી 'પોલીસ પ્રજાનો મિત્ર' એ સુત્ર સાર્થક કરે છે. ભકિતનગર પોલીસે આ વખતે આવી કામગીરી કરી છે. બાબરીયા કોલોની શ્યામ હોલ પાસે આશરે ૨ વર્ષની બાળકી ભુલી પડી હોવાની જાણ પીસીઆર-૯ના ઇન્ચાર્જ અરવિંદભાઇ ફતેપરાને કન્ટ્રોલ રૂમ મારફત થતાં તેણે ઇન્વે એએસઆઇ નરેન્દ્રભાઇ ભત્રદેચા અને મયુરભાઇ ઠાકરને જાણ કરતાં આ બંનેએ પીઆઇ જે. ડી. ઝાલાને જાણ કરી હતી. તેમણે બાળકીના ફોટો વ્હોટ્સએપ ગ્રુપ, મિડીયા ગ્રુપમાં વહેતા મુકી અલગ-અલગ ટીમોને દોડાવી હતી. એક ટીમ બાળકી જ્યાંથી મળી એ જગ્યાએ તેણીને સાથે લઇને પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન બાળાના માતા હદસુનિશાબેન મહમદમુસ્તાક અંસારી મળી આવ્યા હતાં. તેણે પોલીસ મથકે પહોંચી બાળકી પોતાની જ હોવાની ખાત્રી આપી હતી. બે વર્ષની કનીજફાતેમા (ઇકરા)નું માતા સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા, ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી, કોન્સ. મયુરભાઇ ઠાકર, રણજીતસિંહ જાડેજા, ટીઆરબી રક્ષીત વાડોદરીયાએ આ કામગીરી કરી હતી.
 

(1:10 pm IST)