રાજકોટ
News of Tuesday, 28th January 2020

કોર્ટમાં કેદીઓને ખાનગી વાહનમાં લાવનારા પીએસઆઇ અને ત્રણ પોલીસમેન સસ્પેન્ડ

ગઇકાલે વકિલની કારને પોલીસની કારની ટક્કર લાગ્યા બાદ થયેલી ચડભડ અને કોર્ટમાં થયેલી અરજી બાદ એસીપીએ કરેલી તપાસ બાદ કાર્યવાહી : માલવીયાનગરના પીએસઆઇ બી. બી. રાણા અને ભકિતનગરના ત્રણ કોન્સ. ભૂપેન્દ્ર વાઘેલા, મયુરસિંહ પરમાર અને યશપાલસિંહ ઝાલા સામે આકરી કાર્યવાહી

રાજકોટ તા. ૨૮: ગઇકાલે સેસન્સ કોર્ટમાં લૂંટના ગુનાના બે કેદીને જેલમાંથી સરકારી વાહનમાં કોર્ટમાં મુદ્દતે રજૂ કરવાને બદલે પોતાની ખાનગી અને નંબર વગરની કારમાં કોર્ટમાં લાવનારા એક પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારી સામે પોલીસ કમિશનરએ ખાતાકીય તપાસના આદેશો કર્યા હતાં. આ અંગેની તપાસ એસીપી વેસ્ટ દ્વારા કરવામાં આવી હતી. પ્રાથમિક ઇન્કવાયરીનો રિપોર્ટ રજૂ થતાં જ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલને ફરજ મુકત કરતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ગઇકાલે લૂંટના ગુનાના બે કેદીને ખાનગી કાર મારફત પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં. આ વખતે પોલીસની કાર કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલી એડવોકેટ તુષાર ગોકાણીની કારને સ્હેજ અડી જતાં આ ટક્કર બાદ વકિલ અને પોલીસ વચ્ચે ભારે ચડભડ થઇ હતી. મામલો ઉગ્ર બની જતાં વકિલો એકઠા થઇ ગયા હતાં અને ડિસ્ટ્રીકટ જજશ્રી ગીતા ગોપી મેડમને લેખિત અરજી કરી હતી. જજશ્રીએ આ બારામાં પોલીસ કમિશનરને ખુલાશો કરવા આદેશ કરતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતનો કાફલો કોર્ટ ખાતે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસમેનની કાર ડિટેઇન કરાવી હતી.

દરમિયાન આ બારામાં ખાતાકીય તપાસનો આદેશ અપાયો હોઇ એસીપી વેસ્ટ પી. કે. દિયોરાએ સમગ્ર બનાવની પ્રાથમિક ઇન્કવાયરી કરી હતી. આ અંગેનો રિપોર્ટ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરતાં આજે મોડી બપોરે કમિશનર શ્રી અગ્રવાલે માલવીયાનગરના પીએસઆઇ બી. બી. રાણા અને ભકિતનગર પોલીસ મથકના ત્રણ  કોન્સ. ભપેન્દ્ર જે. વાઘેલા, યશપાલસિંહ પી. ઝાલા અને મયુરસિંહ વી. પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

આ ચારેયએ જેલમાંથી કેદી પાર્ટીના કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે સરકારી વાહન ફાળવાયુ હોવા છતાં ખાનગી વાહનમાં કોર્ટ ખાતે લઇ આવી ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું જણાઇ આવતાં આકરી કાર્યવાહી કરવામાં આવ્યાનું ડીસીપી રવિમોહન સૈનીએ જણાવ્યું છે.

(3:56 pm IST)