રાજકોટ
News of Wednesday, 27th December 2017

મવડીની લાભદીપ સોસાયટીમાં પડોશી પટેલ પરિવારો વચ્ચે ધોકાથી ધબધબાટી

ઘર પાસે વાહન પાર્ક કરવાનો ડખ્ખોઃ જયંતિભાઇ વોરા અને કુલદીપ પીપળીયાની સામ-સામી ફરિયાદ

રાજકોટ તા.૨૭: મવડી ચોકડી પાસે લાભદીપ સોસાયટીમાં રહેતાં પડોશી પટેલ પરિવારો વચ્ચે વાહન પાર્ક કરવા મામલે મારામારી થતાં એક બીજાને ધોકા-ઢીકાપાટુ ફટકારાયા હતાં તેમજ ધમકી અપાઇ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.

લાભદીપ સોસાયટી-૨માં રહેતાં અને લેબર કામ કરતાં જયંતિભાઇ પાંચાભાઇ વોરા (ઉ.૫૨) નામના લેઉવા પટેલ પ્રોૈઢ રાત્રે ઘર પાસે હતાં ત્યારે મારામારીમાં ઇજા થતાં સિવિલમાં દાખલ થયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પુછતાછમાં પડોશી કુલદીપ પટેલ, તેના ભાઇ ચેતન પટેલ, તેના ફઇના દિકરા દિપક અને દિપકની પત્નિ જ્યોત્સનાએ પોતાને ધોકાથી માર માર્યાનું જણાવતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. જયંતિભાઇએ કહ્યું હતું કે કુલદીપ સહિતના વાહન લે વેંચનો ધંધો કરે છે.મારા ઘર પાસે મેં મારી ગાડી પાર્ક કરી હોઇ તે દૂર લઇ લેવાનું કહી હુમલો કરાયો હતો.

સામા પક્ષે આસ્થા રેસિડેન્સી પાછળ ગોકુલ શેરીમાં રહેતાં કુલદીપ મગનભાઇ પીપળીયા (પટેલ)એ જયંતિભાઇ વોરા, તેના પુત્ર અજય અને પત્નિ ભાવનાબેન સામે ફરિયાદ કરી છે. કુલદીપના કહેવા મુજબ મારી ઓફિસ પાસે જયંતિભાઇએ તેનું વાહન પાર્ક કર્યુ હોઇ દુર લેવાનું કહેતાં ત્રણેયે મળી ઝઘડો કરી ધોકાથી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. એએસઆઇ યુ. બી. પવારે વધુ તપાસ હાથ ધરી છે.

રૂખડીયાપરામાં કરીશ્માને પડોશીએ માર માર્યો

રામનાથપરા ગરબી ચોકમાં રહેતી કરીશ્મા મહમદ મકવા (ઉ.૨૨) નામની યુવતિ રાત્રે રૂખડીયાપરામાં તેના મામા રફિકભાઇ અલ્લારખાભાઇ વજુગરાના ઘરે હતી ત્યારે પડોશી નાજીયાબેન, અમીન, જાવેદ, આશીક અને કાદરે જુના મનદુઃખને લીધે ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(11:14 am IST)