રાજકોટ
News of Saturday, 27th November 2021

રાજકોટ ડેરીમાં કુરીયનના જન્મદિનની ઉજવણી : કોલ્ડ સ્ટોરેજ ઉદ્ઘાટન

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (ડેરી) દ્વારા ડો. વર્ગીસ કુરિયનની જન્મ શતાબ્દિ નિમિત્તે ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨૭ : દર વર્ષની તા. ૨૬ નવેમ્બર એટલે ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનનો જન્મ દિવસ જેને ભારતમાં 'નેશનલ મિલ્કત ડે' તરીકે પણ ઉજવવામાં આવે છે. ડો. વર્ગીસ કુરીયનનો જન્મ તા. ૨૬ નવેમ્બર ૧૯૨૧માં થયેલ હતો. જેથી ભારતભરમાં જુદા જુદા સંસ્થાઓ દ્વારા ડો. વર્ગીસ કુરીયનની શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.

ગઇકાલે ડો. વર્ગીસ કુરીયનની શતાબ્દી વર્ષ તરીકે ઉજવવા માટે રાજકોટ દૂધ સંઘ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓથી ઉજવણી કરવામાં આવેલ હતી. રાજકોટ ડેરી દ્વારા કોરોના વેકસીનેશન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. દૂધ ક્રાંતિ પર બનેલ ફિલ્મ 'મંથન' ચલચીત્ર સંઘના કર્મચારીઓને બતાવવામાં આવેલ અને ડો. વર્ગીસ કુરીયનના જીવન ચરિત્ર વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. ડેરીમાં નવા બનેલ કોલ્ડ સ્ટોરેજનું ઉદ્ઘાટન દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા દ્વારા કરવામાં આવેલ હતું તેમજ ગોરધનભાઇ ધામેલીયા તથા મેનેજીંગ ડિરેકટર વિનોદ વ્યાસે સંઘના કર્મચારીઓને ડો. વર્ગીસ કુરીયનના ડેરી સહકારી ઉદ્યોગમાં આપેલ યોગદાન વિશે જાણકારી આપી દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજીક વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

(2:34 pm IST)