રાજકોટ
News of Saturday, 27th November 2021

વિવાદાસ્પદ યુવતિ ઉછીના લીધેલા ૧ લાખ ખાઇ ગઇ, માથે જતાં અરજી કરીઃ વિવેક પટેલે રેસકોર્ષમાં ફિનાઇલ પીધી

યુવાને કહ્યું-પરિચીત મયુર મારફત યુવતિને પૈસા દીધા'તાઃ ૨૪ કલાકમાં પૈસા ન આપે તો તેની કાર લઇ જવા કહેલું, પૈસા ન દેતાં પોતે કાર લઇ આવતાં અરજી કરી દીધીઃ ખોટી રીતે ફસાવતાં ફિનાઇલ પીવું પડ્યું

રાજકોટ તા. ૨૭: જુના મોરબી રોડ પર ક્રિષ્ના પાર્ક-૧માં ગિરીરાજ પાર્ટી પ્લોટ પાછળ રહેતાં વિવેક પ્રવિણભાઇ બોરડ (ઉ.૨૬) નામના પટેલ યુવાને રાતે પોણા દસેક વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ જાણ કરી હતી.

વિવેક ચાંદીના કારખાનામાં કામ કરે છે અને અપરિણીત છે. તે બે ભાઇમાં મોટો છે. વિવેકે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે છએક દિવસ પહેલા મારા પરિચીત મોરબી રોડ પર રહેતાં મયુર નામના યુવાન થકી ગોકુલધામ પાસે રહેતી વિવાદસ્પદ યુવતિ સાથે મારી મુલાકાત થઇ હતી. એ વખતે તેણીએ પોતે વ્યાજ ભરતી હોઇ ખુબ ટેન્શનમાં હોઇ એક લાખ રૂપિયાની જરૂર છે તેમ કહેતાં અને પોતે આ રકમ ૨૪ કલાકમાં પાછી આપી દેશે અને જો રકમ ન આપે તો પોતાની સ્વીફટ કાર આપી દેશે તેમ કહેતાં મેં તેના પર વિશ્વાસ રાખી તેને એક લાખ આપી તેની કારની ચાવી મેં રાખી હતી.

તેણે બે દિવસ સુધી મારા પૈસા ન દેતાં મને કાર ચલાવતાં આવડતી ન હોઇ બિજાને સાથે લઇ યુવતિના ઘરે ગયેલ અને કાર લઇ આવ્યા હતાં. જેના સીસીટીવી  ફૂટેજ તેણે પોલીસમાં રજૂ કરી હું કાર પડાવી ગયો છું એવી અરજી કરી દેતાં પોલીસે મને અરજી અંતર્ગત બોલાવ્યો હતો. મેં સાચી વાત કરી હતી પરંતુ હવે યુવતિ મારા પૈસા આપતી નથી. ખોટી અરજી કરી મને ફસાવ્યો હોઇ કંટાળીને મેં ફિનાઇલ પી લીધુ હતું. તેમ વધુમાં વિવેકે આક્ષેપો સાથે જણાવ્યું હતું. જો કે પ્ર.નગર પોલીસ નિવેદન લેવા પહોંચી ત્યારે તે હોસ્પિટલમાં મળ્યો નહોતો.

નારાયણનગરના નિલેષભાઇ પર મોટા વડાળા પાસે હુમલો

રાજકોટના નારાયણનગર ત્રિશુલ ચોકમાં રહેતાં નિલેષભાઇ નટવરલાલ મકવાણા (ઉ.૪૫) મોટાવડાળાના પાટીયે હતાં ત્યારે આરાધના પંપ પાસે અશોક અને અજાણ્યાએ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગરમાં જાણ કરાઇ હતી.

નિલકંઠ ટોકિઝ પાસે વિજયભાઇ પર કડાથી હુમલો

પરસાણાનગર-૫માં રહેતાં વિજયભાઇ ગોવિંદભાઇ નળીયાપરા (ઉ.૪૨) નિલકંઠ ટોકિઝ પાસે હતાં ત્યારે સાગરે હાથમાં પહેરવાના કડાથી માર મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. 

(12:46 pm IST)