રાજકોટ
News of Friday, 27th November 2020

કોલેજમાં ટયુશન ફી સિવાયની રકમ ન ઉઘરાવવા વિદ્યાર્થી પરીષદની કુલપતિને રજૂઆત

કોરોના સમયમાં વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવા આવેદન

રાજકોટ : કુલપતિ પ્રો. નિતીનભાઇ પેથાણીને રજૂઆત કરતા વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ નજરે પડે છે.

રાજકોટ તા. ર૭ :.. અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણીને રજૂઆત કરી કોલેજો દ્વારા માત્ર ટયુશન ફી જ લેવા માંગ કરી હતી.

કુલપતિશ્રીને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીના સમયમાં લોકોને આર્થિક માર પડયો છે કોલેજ-કેમ્પસ ચાલુ થઇ શકયા નથી. છતાં વિવિધ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ફી ની ઉઘરાણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરવામાં આવે છે. રાજય સરકારના નિયમ મુજબ કોલેજ માત્ર ટયુશન ફી જ ઉઘરાવી શકે. કોલેજને આ અંગે પરીપત્ર કરીને સ્પષ્ટ સુચના આપે.

આ અંગે વિદ્યાર્થીના હિતમાં જો બે દિવસમાં કોઇ નિર્ણય નહી થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.

(3:39 pm IST)