રાજકોટ
News of Friday, 27th November 2020

જન્મ થયો ત્યારથી જ બાળકને સાચવનારા નર્સ મારફત ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા સુધી પહોંચી કુવાડવા પોલીસ

એક પ્રેમીએ તરછોડી, બીજાએ કહ્યું-આગલા ઘરનું બાળક સાથે રાખ તો હું નહિ રાખુ...મજબૂર માએ દિકરાને ફેંકી દીધો'તો : મુળ કુવાડવા પીપળીયાની મીરા ઉર્ફ કાજલ શૈલેષભાઇ શર્મા (ઉ.વ.૨૧) દિવાળીની રાતે પુત્રને કુવાડવામાં તરછોડી ભાગી ગઇ'તીઃ મીરાનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતાં ધરપકડઃ બાળકનો પિતા તેણીનો પ્રથમ પ્રેમી કે બીજો પ્રેમી? તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાવાયો : સોશિયલ મિડીયા, અખબારોમાં બાળકનો ફોટો પ્રસિધ્ધ થતાં માહિતી મળી કે બાળકની સંભાળ રાખનાર મહિલા અમદાવાદ રહે છે : હાલ બાળક બાલાશ્રમમાં: કુવાડવા પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, એચ.એમ. ઝાલા, અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ ગોહિલ અને સમગ્ર ટીમની પ્રશંસનીય કામગીરી

રાજકોટ તા. ૨૭: કુવાડવામાં આવેલા ભોમેશ્વર મંદિર નજીક કચરામાંથી દિવાળીના બીજા દિવસે તરછોડી દેવાયેલુ નવજાત બાળક (પુત્ર) મળી આવતાં કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી હતી...દિવસોની મહેનત લેખે લાગી હતી અને અંતે પોલીસે આ બાળકને તરછોડી દેનારી નિષ્ઠુર મજબૂર જનેતા મુળ કુવાડવા પીપળીયાની હાલ અમદાવાદના માંડલ કપાસીયા ગામે રહેતી મીરા ઉર્ફ કાજલ શૈલેષભાઇ સુરેન્દ્રભાઇ શર્મા (ઉ.વ.૨૧)ની ધરપકડ કરી છે. આ સાથે ચોંકાવનારી કહાની પણ સામે આવી છે. મીરા ઉર્ફ કાજલ બે વર્ષ પહેલા ઘરેથી  પ્રેમી સાથે ભાગી હતી. તેના થકી બાળકનો જન્મ થયો હતો. પછી એ પ્રેમીએ તેણીને છોડી દીધી હતી. હાલમાં તે બીજા પ્રેમી સાથે રહેતી હતી. પણ આ પ્રેમીએ બાળકને રાખવું હોય તો પોતે નહિ સાચવે તેમ કહેતાં મીરા ઉર્ફ કાજલનું આ બાળક જે તે વખતે અમદાવાદના નર્સએ માનવતા ખાતર સાચવ્યું હતું. પણ બાળક બિમાર પડતાં વળી કંઇક થઇ જાય તો પોતે જવાબદાર ગણાશે તેમ લાગતાં નર્સએ પરત મીરાને આ બાળક આપ્યું હતું. એ પછી તેણીએ બીજા પ્રેમી સાથે રહેવા માટે થઇને દિકરાને કચરામાં ફેંકી દીધું હતું.

કુવાડવા પોલીસે બાળક રેઢુ મળ્યા પછી તેની તસ્વીરો અખબાર તથા સોશિયલ મિડીયામાં વહેતી કરી હતી. એ દરમિયાન માહિતી મળી હતી કે આ બાળક દિવાળી પહેલા તો અમદાવાદના નર્સ રશ્મિબેન પાસે હતું. આથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. નર્સએ બાળક પોતાનું નહિ પણ નજીકના માંડલ ગામની મીરા ઉર્ફ કાજલનું હોવાનું કહેતાં પોલીસે મીરાને ઉઠાવી લીધી હતી. પ્રારંભે તો તેણે આનાકાની કરી હતી. પણ બાદમાં સ્વીકારી લીધું હતું.

એક પ્રેમીએ તરછોડ્યા બાદ બીજા પ્રેમીનો સંગાથ મળ્યો એ પછી બાળકનો જન્મ થયો હતો. પણ બીજા પ્રેમીએ આ બાળક પ્રથમ પ્રેમીનું હોવાનું કહી મીરા ઉર્ફ કાજલને બાળકને રાખવું હોય તો પોતે નહિ સાચવે તેમ કહેતાં તે વખતે નર્સએ બાળકને કોઇ દત્તક લેનાર મળી ન જાય ત્યાં સુધી પોતે સાચવશે તેમ કહી માનવતા દાખવી બાળકને સાચવ્યું હતું. પણ બાળકને મગજમાં પાણી ભરાતું હોઇ તેને પાછુ લઇ જવા કહેતાં મીરા દિવાળી પહેલા બાળકને લઇ ગઇ હતી. એ પછી તેના માતા-પિતા પીપળીયા (કુવાડવા) રહેતાં હોઇ ત્યાં આવી હતી અને દિવાળીની રાતે બાળકને મંદિર પાછે તરછોડીને ભાગી ગઇ હતી.

તેની આ કબુલાતથી પોલીસ પણ ચોંકી ગઇ હતી. બાળકને હવે મીરા ઉર્ફ કાજલને સોંપવુ જોખમી હોઇ પોલીસે તેને બાલાશ્રમને સોંપ્યું છે. તેમજ બાળકનો પિતા મીરાનો પહેલો પ્રેમી કે બીજો પ્રેમી તે સ્પષ્ટ કરવા ડીએનએના નમુના લઇ ગાંધીનગર મોકલ્યા છે. જેનો રિપોર્ટ આઠ-દસ દિવસ બાદ આવશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ અને પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. મેઘલાતર, એએસઆઇ એચ. એમ. ઝાલા, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ, કિશોરભાઇ પરમાર, કોન્સ. સતિષભાઇ લાવડીયા, વિરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, નમ્રતાબેન ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(2:49 pm IST)