રાજકોટ
News of Tuesday, 27th September 2022

ઇન્‍સ્‍યોરન્‍સ વગર વાહન ચલાવનાર માટે બોધપાઠરૂપ ચુકાદો અકસ્‍માત મૃત્‍યુના કેસમાં ૫૯ લાખની જંગી રકમ ચુકવવાનો આદેશ

રાજકોટ ,તા. ૨૭ : ઈન્‍સ્‍યોરન્‍સ વગર વાહન ચલાવનાર માટે બોધપાઠ રૂપ કોર્ટ હુકમ કરી  ખાનગી મોટરકારના ચાલક તથા વાહન માલીકે ગુજરનારના વારસદારોને રૂા.પ૯,૦૦,૦૦૦/- ચુકવવા કોર્ટ હુકમ કર્યો હતો.

બનાવની હકીકત એવી છે કે, તા.૦ર/૦૮/ર૦૧૩ ના રોજ ગુજરનાર સુરેશભાઈ કરશનભાઈ ચાંવ, અતુલ રીક્ષા નં.જી.જે.૦૯.વાય.૭ર૩ માં બેસીને પેસેન્‍જર તરીકે મુસાફરી કરતા હતા. તે સમયે સદરહુ રીક્ષાની સામે તરફથી આવતી મોટરકાર હયુન્‍ડાઈ એલેન્‍ટ્રા કાર નં. જી.જે.૧૧.એસ.૯૧૭૧ ના ચાલકે પોતાના હવાલાવાળી મોટરકાર પુરઝડપે તથા બેદરકારી પુર્વક ચલાવીને ગુજરનાર સુરેશભાઈ ચાંવ જે ઓટો રીક્ષામાં મુસાફરી કરતા હતા તે રીક્ષાને પેસેન્‍જર સહીત હડફેટે લીધેલ અને સદરહુ અકસ્‍માતમાં ઓટોરીક્ષા મા પેસેન્‍જર તરીકે મુસાફરી કરતા સુરેશભાઈ કરશનભાઈ ચાંવ ને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ અને સારવાર બાદ ઈજાપામનાર સુરેશભાઈ કરશનભાઈ ચાંવનું ગંભીર ઈજાઓને કારણે અવશાન થયેલ. જેથી આ બનાવ સબંધે રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન માં મોટરકાર ના ચાલક મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી, રહે.જસદણ વીરૂઘ્‍ધ આઈ.પી.સી. ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા ૩૦૪(અ) અને મોટર વ્‍હીકલ એકટની કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબનો ગુન્‍હો દાખલ કરવામા આવેલ હતો.

આ અકસ્‍માતમાં સંડોવાયેલ વાહન હયુન્‍ડાઈ એલેન્‍ટ્રા કાર નં. જી.જે.૧૧.એસ.૯૧૭૧ કે જે ઈન્‍સ્‍યોરન્‍સ વગર આ વાહનના ચાલક ચલાવતા હતા અને પોલીસ તપાસમાં જણાયેલ કે સદરહુ વાહન ચાલકે અકસ્‍માતના બે વર્ષ પહેલા આ વાહનના રજીસ્‍ટર માલીક હરીશચંદ્રસિંહ હેમુભા જાડેજા પાસેથી ખરીદ કરેલ. પરંતુ આર.ટી.ઓ માં પોતાના નામે ટ્રાન્‍સફર કરાવેલ નહી જેથી સુપ્રિમકોર્ટના ચુકાદાઓ મુજબ આર.સી બુકમાં નોંધાયેલ માલીક જ વળતર ચુકવવા માટે જવાબદાર ગણાય. આમ અરજદાર તરફે રોકાયેલા અજય કે. જોષી એડવોકેટની દલીલોને ઘ્‍યાને લઈ એમ.એ.સી. ટ્રીબ્‍યુનલ સ્‍પેશ્‍યલ કોર્ટ એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી એસ.વી. શર્માની કોર્ટ ઘ્‍વારા વાહનના ચાલક તેમજ વાહનના માલીકે સંયુકત અને વીભકત રીતે ગુજરનારના વારસદારોને રૂા.પ૯,૦૦,૦૦૦/- અંકે રૂપીયા ઓગણ સાઈઠ લાખ ચુકવવાનો હુકમ કરેલ હતો.

આ કેસમાં ગુજરનારના વારસો વતી એડવોકેટ અજય કે. જોષી, પ્રિયાંક ભટ્ટ તથા પ્રદિપ પરમાર રોકાયા હતા.

(4:58 pm IST)