રાજકોટ
News of Monday, 27th September 2021

યુનિ. રોડ એ.જી. કવાટર્સ પાછળ આવેલ બાજીશાહ પીર દરગાહ પાસે થયેલ ખુન કેસના આરોપીઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. ૨૭ : બાજીશાહ પીર દરગાહ પાસે થયેલ ચકચારી ખૂન કેસમાં તમામ આરોપીઓનો રાજકોટ સેશન્સ કોર્ટે નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

આ કેસ ની પોલીસ કેસ પ્રમાણે ટૂંકી વિગત એવી છે કે, આ કામ ના આરોપીઓ નં.(૧) મેહબૂબખાન ઉર્ફે મેબલો હુશેનખાન પઠાણ, (૨) રિઝવાન ઉર્ફે શાહરુખ શાહબુદ્દીનભાઈ બેલીમ, (૩)શાહરુખ અનવરભાઈ સમા, (૪) કૃણાલ ઉર્ફે કિશન અરવિંદભાઈ ગંગદેવ, (૫) મોહસીનભાઈ ઉર્ફે રાજુ અનવરભાઈ સફીયા, (૬) અક્ષયભાઈ અશોકભાઈ પરમાર, (૭) કમલભાઈ રાજુભાઈ રામાણી જેમાં આરોપી નં.૧ મેહબૂબખાન ઉર્ફે મેબલો હુશેનખાન પઠાણ અગાઉ દારૂના ઘણા ગુનામાં પકડાયેલ હોય તેમજ દારૂના કેસમાં નાસતો ફરતો હોય અને આરોપી નં.૧ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો અગાઉ સાહેદ હાર્દિકે પકડાવી દીધેલ હોવાની શંકામાં પગ ભાગી નાખેલ. આરોપી નં.૩ શાહરુખ અનવરભાઈ સમા, આરોપી નં.૧ મેહબૂબખાન ઉર્ફે મેબલો હુશેનખાન પઠાણ, આરોપી નં.૪ કૃણાલ ઉર્ફે કિશન અરવિંદભાઈ ગંગદેવ, આરોપી નં.૭ કમલભાઈ રાજુભાઈ રામાણી વિરૂધ્ધ ગાંધીગ્રામ-૨(યુનિ.) તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુના નોધેલ. જેમાં આરોપી નં. ૧,૩,૪ અને ૭ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ફરિયાદી તથા સાહેદ અજય ઉર્ફે પ્રતીક તથા અજમુદીન દ્વારા પકડાવેલ હોવાની શંકા કરી તેઓને જાનથી મારી નાખવા માટે આરોપી નં.(૧) મેહબૂબખાન ઉર્ફે મેબલો હુશેનખાન પઠાણએ તમામ આરોપીઓને તેમના ઘરે બોલાવી ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવા માટેનું પૂર્વ આયોજિત કાવતરૂ રચેલ.

આ ગુનાને અંજામ આપવા તા.૨૦/૦૯/૨૦૧૮ ના રોજ આશરે ૧ૅં૩૦ વાગ્યે આરોપી નં.૧ મેહબૂબખાન ઉર્ફે મેબલો હુશેનખાન પઠાણએ પોતાનું એકિટવા મોટરસાયકલ આરોપી નં.૪ કૃણાલ ઉર્ફે કિશન અરવિંદભાઈ ગંગદેવ અને આરોપી નં.૬ અક્ષયભાઈ અશોકભાઈ પરમારને આપી તેમને પ્રેમ મંદિર તરફ જતો યુનિ. રોડ, એ. જી. કવાટર્ પાછળ, બાજીશાહ પીર દરગાહ પાસે મોકલેલ અને આરોપી નં.૧ મેહબૂબખાન ઉર્ફે મેબલો હુશેનખાન પઠાણ પોતાની પાસે રહેલ સ્કોર્પિયો કારમાં અન્ય સહ આરોપીઓ સાથે હથિયારો લઇને બાજીશાહ પીર દરગાહ પાસે પોહચેલ અને ફરિયાદી તથા સાહેદોને બિભત્સ ગાળો બોલી હથિયારો વળે ફરિયાદી મામદભાઈ વીકીયાણી તથા સાહેદ અજમુદિન અલીભાઈ જસરાયા તથા મરણ જનાર સાહેદ અજય ઉર્ફે પ્રતીક મનોજભાઈને હથિયારો વળે મારવા લાગેલ. આરોપી નં.૧ નાએ બેજ બોલના ધોકાથી મરણ જનારનાં પગમાં તથા માથાના ભાગે તથા શરીર ઉપર ગંભીર મરણતોલ ઇજાઓ કરી ફરિયાદી તથા સાહેદોને આડેધડ માર મારવા લાગેલ તથા આરોપી નં.૨,૩ નાએ લોખંડના પાઇપ વતી તથા આરોપી નં.૪ નાએ લાકડાના ધોકા વતી તથા આરોપી નં.૫ નાએ લોખંડના પાઇપ પાઇપ તથા આરોપી નં.૬ નાએ કુહાડી વતી સાહેદને તથા ફરિયાદીને તથા મરણ જનારને માર મારેલ તથા આરોપી નં.૭ નાએ લોખંડના પાઇપ વતી તમામને ગંભીર માર મારેલ અને આમ કરીને તમામને માર મારતા અજય ઉર્ફે પ્રતીક મનોજભાઈનું ખૂન થયેલ અને બે સાહેદોને મરણતોલ ઇજાઓ થયેલ.

આ ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસએ ગેરકાયદેસર મંડળી રચી, જાનથી મારી નાખવાની ધમકી તેમજ જાહેરમાં હથિયારો ધારણ કરી જાહેરનામાનો ભંગ કરી તથા ખૂન તથા ખૂનની કોશિશ કરેલ હોય તેઓ તમામ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી), ૧૪૩, ૧૪૭, ૧૪૮ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫(૧), તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ ની કલમ ૩(૨)(૫) મુજબ નો ગુન્હો નોંધેલ અને તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલા તેમજ તપાસ ના અંતે કોર્ટમાં ચાર્જશીટ કરેલ. આ કામમાં તપાસ દરમિયાન પોલીસે બનાવ વખતે હાજર રહેલ બે દાર્શનિક સાહેદો તથા ત્રણ ઇજા પામનાર સહેદોના નિવેદનો નોંધેલ તથા આરોપીઓ પાસેથી પંચનામા જોગ હથિયારો કબ્જે કરેલ તથા આરોપીઓના તથા મરણ જનારના કપડાં પણ કબ્જે કરેલ અને એફએસએલ ખાતે મોકલેલ.

આ કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલેલ ફરિયાદ પક્ષે કુલ ૧૭ સહેદો તપાસેલ તેમજ ૨૬ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આરોપીઓને સજા કરવા રજૂઆત કરેલ. આ કેસના અંતે તમામ સાહેદો, લેખીત મૌખિક પુરાવાઓ,  ઉભયપક્ષે ફરિયાદ પક્ષ અને અરોપી પક્ષ તરફે થયેલ રજૂઆતો તદુપરાંત ઉચ્ચ ન્યાયાલય ના ચુકાદાઓ વિગેરે તમામ બાબતોને ધ્યાને લઇ રાજકોટના એ.ડી.સેશન્સ જજશ્રી એચ.એમ.પાવરે આ કામના તમામ આરોપીઓને એમની વિરૂધ્ધ લાગેલ તમામ તહોમતોમાંથી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના વકિલ રૂપરજસિંહ પરમાર, અજીત પરમાર, વિજયભાઈ ભલસોડ, રિતીનભાઈ મેંદપરા, હુસેનભાઇ હેરંજા, જયદેવસિંહ ઝાલા તથા શકિતભાઈ ગઢવી રોકાયેલ હતા.

(3:44 pm IST)