રાજકોટ
News of Monday, 27th September 2021

બેડલામાં પીએસઆઇની રિવોલ્વર લૂંટી હુમલાના ગુનામાં ઉજળી, રસિલા, ગુલાબડી અને વસંત પકડાઇ

હત્યાની કોશિષ, આર્મ્સ એકટ, લૂંટ સહિતની કલમો હેઠળ એરપોર્ટ પોલીસની કાર્યવાહી : મુખ્ય સુત્રધાર વિજય સહિતના શખ્સોની શોધખોળઃ હુમલામાં બે કોન્સ્ટેબલને પણ ઇજા થઇ હતી

રાજકોટ તા. ૨૭: રાજકોટના બેડલા ગામે શનિવારે સાંજે એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ વી. સી. (વિજય છોટાલાલ) પરમાર તથા લોકરક્ષક ઇર્શાદભાઇ જન્નર અને જીઆરડી જયેશભાઇ સોહલા પર બેડલા ગામમાં બુટલેગર વિજય જખાણીયા (દેવીપૂજક) તથા તેની સાથેના ટોળાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી પીએસઆઇ વી. સી. પરમારની રિવોલ્વર લૂંટી લીધી હતી. આ બનાવમાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધી ચાર મહિલાઓની ધરપકડ કરી છે. સુત્રધાર વિજય સહિતનાની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.

આ બનાવમાં પીએસઆઇ વી. સી. પરમારે ફરિયાદી બની બુટલેગર વિજય જખાણીયા, બાઘુ જખાણીયા, ગોરધન જખાણીયા, અશ્વિન જખાણીયા, ઉજળી, ગુલાબડી, વસંતી, રસીલાસહિતની સામે હત્યાની કોશિષ, લૂંટ અને આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પીએસઆઇ પરમારે ફરિયાદમાં લખાવ્યું હતું કે પોતે અને સ્ટાફના બે કર્મચારી પેટ્રોલીંગમાં બેડલા ઘોઘાવદર રોડ પર હતાં ત્યારે ભાડલા પોલીસના બે કર્મચારી મળ્યા હતાં. તેઓ બુટલેગર વિજયની તપાસમાં જતાં હોવાનું કહ્યું હતું.

એ પછી પીએસઆઇ પરમાર સહિતના પેટ્રોલીંગમાંથી પરત આવતા હતાં ત્યારે વિજયના ઘર પાસે દેકારો થતો હોઇ ત્યાં જતાં બુટલેગર વિજય સહિતનાએ ટોળકી રચી ભાડલાના બે પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી શરૂ કરી હતી. તેને છોડાવવા માટે પીએસઆઇ પરમાર, ઇર્શાદભાઇ અને જયેશભાઇ જતાં ટોળકીએ તેમના પર હુમલો કરી મારકુટ કરી હતી. આ વખતે પીએસઆઇએ વોર્નિંગ આપવા પોતાની પાંચ રાઉન્ડ ભરેલી સરકારી લોડેડ રિવોલ્વર કાઢી એ સાથે જ બે મહિલાએ તેમને પકડી લીધા હતાં અને વિજય જખાણીયા એ રિવોલ્વર આંચકી ભાગી ગયો હતો.

આ ગુનામાં પીઆઇ જી. એમ. હડીયા અને ટીમે દોડધામ કરી ચાર મહિલા આરોપી ઉજળી ભીખુભાઇ જખાણીયા, રસિલા વિજય જખાણીયા, ગુલાબડી અશ્વિન જખાણીયા તથા વસંતી ગોરધન જખાણીયાને પકડી લીધી છે. બૂટલેગર વિજય સહિતનાની શોધખોળ થઇ રહી છે.

(3:29 pm IST)