રાજકોટ
News of Monday, 27th July 2020

કોરોનાનું ટેસ્ટીંગ વધારો : કોંગ્રેસ

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની મહિલા કોંગ્રેસની કારોબારી બેઠક પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની અધ્યક્ષતામાં યોજાઇ : કોરોના અંગે વિવિધ મુદ્દાનો ઠરાવ રાજયપાલને મોકલાયો

રાજકોટ, તા. ર૭ : મહિલા કોંગ્રેસ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની કારોબારી મીટીંગ રાજકોટ ખાતે પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના અંગે વિવિધ મુદ્દાનો ઠરાવ રાજયપાલને મોકલાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી, ગેસ સીલીન્ડરના તોતીંગ ભાવ વધારા સહિતના વિવિધ પ્રશ્ને ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ અંગે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના હોદેદારો તેમજ શહેર જિલ્લા પ્રમુખોની મીટીંગ તા. ર૩ જુલાઇ ગુરૂરવારના સમય બપોરના ર-૦૦ કલાકે રાજકોટ મળેલ. કારોબારીની મીટીંગ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના મહિલા કોંગ્રેસના હોદેદારો દ્વારા યોજાઇ હતી. (૧) કોરોનાનું ટેસ્ટીંગ મોટા પ્રમાણમાં વધારવામાં આવે. (ર) કોવિડ સેન્ટરમાં કોરોનાગ્રસ્ત લોકોની દેખરેખ રાખવા માટે યોગ્ય સેવા પૂરી પાડવામાં આવે. (૩) તાલુકા કક્ષાના હેલ્થ સેન્ટરોમાં કોવીડ હોસ્પિટલો બનાવવામાં આવે. (૪) ગ્રામ્ય વિસ્તારમાં રેપીડ ટેસ્ટની સુવિધા ઉભી કરવામાં આવે. (પ) મહિલાઓ અને બાળકો કોરોનાગ્રસ્ત થયા હોય ત્યારે તેમની સંભાળ રાખવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવે સહિતના ઠરાવ સરકારશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી અર્થે સર્વાનુમતે પાસ કરી રાજપાલને મોકલી રાજય સરકાર દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ કાર્યવાહી તાકીદે થાય તેવી માંગ કરી છે.

આ ઉપરાંત કારોબારીમાં (૧) વર્તમાન કોરોના પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર સામેના વિરોધાત્મક કાર્યક્રમો (ર) સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાનાર વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓ સંદર્ભે કામગીરી અંગેની આયોજન અને જવાબદારી તે અંગેના વિધાનસભા પ્રમાણેના મુદ્દાઓની ચર્ચા વિચારણા તથા (૪) ગેસ સીલીન્ડરના તોતીંગ ભાવ વધારા અને એની સામે મળવા પાત્ર સબસીડી તાત્કાલીક અરજદારના ખાતામાં જમા કરાવવા અંગે જે તે શહેર-જીલ્લામાં આવેદન સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

(4:29 pm IST)