રાજકોટ
News of Monday, 27th July 2020

પાવર ઓફ એટર્ની આપનાર વ્યકિત હયાત નહિ હોય તો દસ્તાવેજ નહીં થઇ શકેઃ સોગંદનામું ફરજીયાતઃ સબ રજીસ્ટ્રારોને ખાસ માર્ગદર્શિકા

૧૦ જુલાઇથી અમલમાં આવે તે રીતે ધરખમ ફેરફારોઃ પાવર ઓફ એટર્નીમાં મીલકતના દસ્તાવેજ માટે હવે નોંધણી ફરજીયાત : લેનાર-આપનાર-ઓળખાણ આપનારના ખાસ પુરાવા આપવા પડશેઃ દસ્તાવેજના દરેક પાના ઉપર બંને પક્ષકારની સહી ફરજીયાત : વિદેશથી આવેલ પાવર ઓફ એટર્ની કે ગુજરાત બહારની પાવર ઓફ એટર્ની અંગે પણ ખાસ માર્ગદર્શિકા જાહેર કરાઇઃ કલેકટર તંત્રે દરેક સબ રજીસ્ટ્રારને અભ્યાસ કરવા સૂચના આપી

રાજકોટ તા. ર૭: સરકારના મહેસૂલ વિભાગે મહત્વનું જાહેરનામું બહાર પાડી ૧૦ જુલાઇથી અમલમાં આવે તે રીતે સબ રજીસ્ટ્રાર કચેરી માટે નોંધણી સુધારા અધિનિયમ જાહેર કર્યું છે, તેની આખી એક માર્ગદર્શિકા-રાજકોટના મુખ્ય નોંધણી નિરીક્ષકને કલેકટર કચેરીના સુત્રોએ ઉમેર્યું હતું.

કલેકટર કચેરીના અધીકારી સુત્રોના જણાવ્યા મુજબ ૧૦-૭-ર૦ર૦ પહેલા જે દસ્તાવેજો થયા તેવા કિસ્સામાં આ સુધારો અમલમાં કરવાનો નથી.

જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં પાવર ઓફ એટર્નીનો વ્યાપ વધારાયો છે. સ્થાવર મિલકતના વહિવટ-સંચાલન-વ્યવસ્થા માટે હવે પાવર ઓફ એટર્નીના લેખને ફરજીયાત નોંધણી કરાવાનો રહેશે.

એટલું જ નહિં ૧૦ જુલાઇ બાદ જેમને પાવર ઓફ એટર્ની અપાઇ હોય તો સબ રજીસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવેલી હોય તો જ જે તે મિલકતનો દસ્તાવેજ થઇ શકશે, અને સબ રજીસ્ટ્રારે પણ પોતાની કચેરી સિવાય અન્ય સબ રજીસ્ટ્રાર કચેરીમાં પાવર ઓફ એટર્નીની નોંધણી થઇ હોય તો તેની ખાત્રી કરવાની ફરજીયાત બનાવાયું છે, અને જનરલ પાવર ઓફ એટર્ની લેખમાં કલમ-૩૩ના હેતુનો ઉલ્લેખ ન હોય તો તેવા કિસ્સામાં સબ રજીસ્ટ્રાર નોંધણી નહિં કરી શકે.

આ ઉપરાંત વિદેશમાં સહી થઇને આવેલ પાવર ઓફ એટર્ની લેખ સંબંધે, રાજયબહાર પરંતુ ભારતમાં સહી થયેલ પાવર ઓફ એટર્ની બાબતે ખાસ માર્ગદર્શન અપાયું છે.

કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું કે નોંધણી અધિનિયમની કલમ-૧૭ (૧) મુજબ વેચાણ પ્રમાણપત્રને ફરજીયાત નોંધણી કરાવેલ છે. આ ઉપરાંત ઇ-ચલણ ઉપર લખાયેલ દસ્તાવેજ અંગે લખી આપનાર કે લખાવી લેનાર વ્યકિતની સહી ફરજીયાત બનાવાઇ છે.

આ ઉપરાંત નોંધણી માટે આવતા બીન વસિયતી દસ્તાવેજોમાં આપનાર, લેનાર, ઓળખ આપનારના પુરાવા ફરજીયાત, દસ્તાવેજના દરેક પાને લેનાર-આપનાર બંનેની સહી અથવા અંગુઠાનું નિશાન, પાવર ઓફ એટર્ની આપનાર વ્યકિત હયાત નહિ હોય તો દસ્તાવેજ નહિં થઇ શકે, તેમજ સોગંદનામું પણ કરવું પડશે.

(3:54 pm IST)