રાજકોટ
News of Monday, 27th July 2020

રાજકોટમાં કોરોના વકરતા IMA ચિંતિત : ડોકટરો સાવચેત

૨૦ થી વધુ ડોકટરો કોરોના સંક્રમિત થયા : પ્લાન સર્જરી ઓછી કરવી : દર્દીઓને એપોઈન્ટમેન્ટથી તપાસવા : ઓપીડી હોસ્પિટલમાં માસ્ક - સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની ખાસ કાળજી લેવા ભલામણ : તબીબો માટે ખાસ કોવિડ કમીટી રચાશે : ટૂંક સમયમાં ગાઇડલાઈન બહાર પડશે

રાજકોટ, તા. ૨૭ : છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-૧૯ના કેસમાં ચોંકાવનારો વધારો જોવા મળે છે. પ્રથમ અમદાવાદ બાદ સુરત અને હવે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર જોવા મળે છે. દર્દીઓના મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. ત્યારે દર્દીઓની સારવાર કરતા તબીબોમાં પણ હવે ચિંતા છવાઈ છે. દર્દીઓના નજીકનો સંપર્ક ધરાવતા ડોકટરો પણ હવે રાજકોટમાં વધતા કોરોનાના કેસથી ચિંતિત થયા છે.

રાજકોટમાં તબીબોના સંગઠન ઈન્ડિયન મેડીકલ એસોસીએશન રાજકોટ કોરોનાના ફૂંફાડાથી ખૂબ ચિંતિત બનીને ચોક્કસ ગાઈડલાઈન અનુસરવા પર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છે.

રાજકોટમાં અંદાજે ૨૦ જેટલા ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા છે. કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને અન્ય કલીનીક કે હોસ્પિટલ કાર્યરત તબીબોને હાલના કોવિડ-૧૯ની સ્થિતિને જોતા સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. આઈએમએ દ્વારા ટૂંક સમયમાં તબીબો માટે કેટલીક સુચનાઓ જાહેર થનાર હોવાનું જાણવા મળે છે. જેમાં જો શકય હોય તો જ પ્લાન સર્જરી થોડા સમય ઓછી કરવી, દર્દીઓને એપોઈનમેન્ટ આપીને પછી જ તપાસવા, કલીનીક કે હોસ્પિટલમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવી અને તેનું પાલન થાય તે જોવા અનુરોધ કરેલ છે.

રાજકોટના ૨૦થી વધુ તબીબો કોરોનાથી સંક્રમિત થયા બાદ આઈએમએ રાજકોટ દ્વારા એક કોવિડ કમીટી બનાવવામાં આવી છે. જેમાં જો કોઈ ડોકટર કોરોનાથી સંક્રમિત થાય તો તેને સહકાર આપવા કમીટી તમામ કાર્યવાહી કરશે. જેમ કે બેડની વ્યવસ્થા, તબીબોની વ્યવસ્થા, પરીવારજનો માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.

કોવિડ-૧૯ની સ્થિતિમાં હવે તબીબો વધુ સાવચેતી રાખવા રાજકોટ આઈએમએ દ્વારા રાજકોટની સ્થિતિને ધ્યાને લઈને માર્ગદર્શન બહાર પાડશે તેમ જાણવા મળે છે.

(3:50 pm IST)