રાજકોટ
News of Monday, 27th July 2020

સંપૂર્ણ તંદુરસ્ત હોય અને કોરોનાં થયા પછી મૃત્યુ થયુ તેવા અત્યાર સુધીમાં માત્ર ૯ જ મોત : ઉદિત અગ્રવાલ

કોરાનાનાં ડેથ ઓડીટ મુજબ મૃત્યુ દર નીચો હોવાનું જણાવતુ તંત્ર : અન્ય બિમારીને કારણે હોસ્પીટલમાં દાખલ થયા હોય ને કોરોનાં પોઝીટીવ આવ્યો હોય તેવા ર૪ મોત થયા છેઃ સરકારે નકકી કરેલી કમીટીનાં રિપોર્ટ મુજબ રાજકોટમાં ડેથ રેસીયો નહીવત છેઃ છતાં કોરાનાં થવાનાં કારણે રોજ પ થી ૧૦ અકાળે મોતને ભેટે છે, તે વાસ્તવિકતા છે

રાજકોટ તા. ર૭ :.. કોરોનાથી અકાળે અનેક લોકો દરરોજ મોતને ભેટી રહ્યા છે. આથી રાજકોટ શહેરનો મૃત્યુ દર ઉંચો હોવાનું જાહેર થઇ રહયુ છે. પરંતુ હકિકતે સરકારની કમીટીનાં ડેથ ઓડીટ મુજબ રાજકોટમાં અત્યાર સુધીમાં માત્ર ૯ એવા વ્યકિતઓ જ છે કે જેઓ સંપૂર્ણ તંદુરસ્ત હોય અને કોરોના થયા બાાદ મૃત્યુ પામ્યા છે. બાકીનાં લોકો અન્ય ગંભીર બિમારીને કારણે હોસ્પીટલમાં દાખલ થયા હોય અને પછી તેમને કોરોનાં પોઝીટીવ આવ્યો હોય અને મોત થયુ હોય તેવા છે.

આ અંગે મ્યુ. કમિશનરશ્રી અગ્રવાલે સ્પષ્ટ કર્યુ હતું કે કોરોનાનાં કારણે દાખલ થયા બાદ જે વ્યકિતનાં મૃત્યુ થયા છે. તેવા  અત્યાર સુધીમાં માત્ર ૯ ના મોત છે. આ સંખ્યા સરકારની પી.ડી.યુ. કમીટીએ ઉંડી તપાસ કર્યા બાદ સત્તાવાર રીતે કોરોનાનાં મૃત્યુ આંકમાં ઉમેરાયો છે.

જયારે ર૪ મૃત્યુ એવા થયા છે કે જે લોકો, બ્લડપ્રેસર, કીડની, હૃદયરોગ, કેન્સર વગેરે જેવા રોગની સારવાર માટે દાખલ થયા હોય અને પછી તેઓને કોરોનાં પોઝીટીવ રીપોર્ટ જાહેર થયો હોય અને પછી આવી બિમારીનાં કારણે તેઓનાં મૃત્યુ થયા હોય.

આમ સરકારનાં ચોપડે સત્તાવાર રીતે રાજકોટમાં ડેથ રેશિયો એટલે કે મૃત્યુ દર નહીવત છે.

જો કે અત્રે એ નોંધનીય છે કે સીવીલ હોસ્પીટલનાં કોવિડ વોર્ડમાં હાલમાં દરરોજ પ થી ૧૦ મોત નોંધાઇ રહ્યા છે. છતાં સરકારી ચોપડે એવા લોકોનાં મોતની કોરોનામાં ગણતરી નથી થતી કે જેઓને હૃદય રોગ, ડાયાબીટીશ, કીડની, કેન્સર વગેરે જેવી બિમારી હોય છે. પરંતુ એ વાસ્તવિકતા છે કે કોરોનાં થયા બાદ જ ડાયાબીટીશ, બ્લડ પ્રેસર, હૃદયરોગ વગેરેનાં દર્દીઓ પર મોતનું જોખમ છે.

(3:47 pm IST)